અમદાવામાં ચોરીના ગુનાહમાં સંડોવાયેલ મહિલા આરોપી પોલીસને ચકમો દઈ પોતાના બાળક સાથે છૂમંતર....
અમદાવાદ: ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલી મહિલા આરોપી ગાયકવાડ પોલીસ સ્ટેશનમાંથી પોલીસની નજર ચુકવીને પોતાના બાળક સાથે ફરાર થઈ ગઈ હતી. જોકે ગાયકવાડ હવેલી પોલીસે ક્રાઈમ બ્રાંચની મદદથી મહિલા આરોપીને એસ.ટી.સ્ટેન્ડ નજીકથી ઝડપી લીધી હતી. આ બનાવની વિગત મુજબ અમરાઈવાડીમાં રહેતી સીમા એન.દંતાણી સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરીના ગુના નોંધાયેલા હતા. આથી ગાયકવાડ હવેલી પોલીસ સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટને આધારે તેને તપાસ માટે પોલીસ સ્ટેશન લાવી હતી. ૬ મેના રોજ પોલીસ મહિલા આરોપીનો રિપોર્ટ તૈયાર કરી રહી હતી. તેની સાથે એક વર્ષનું બાળક હોવાથી નજરકેદમાં રાખવામાં આવી હતી. જોકે આરોપી સીમા દંતાણી પોલીસની નજર ચુકવીને બાળક સાથે પલાયન થઈ ગઈ હતી, એમ ગાયકવાડ પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ.એન.એન.પરમારે જણાવ્યું હતું.