ગુજરાત
News of Tuesday, 8th May 2018

સરકાર સામે બાંયો ચડાવતા ગૌશાળા સંચાલકો

ભલે સરકાર જેલમાં પૂરી દયે : દમન ગુજારે : પણ ગૌમાતા માટે લડી લેવા મક્કમ નિર્ધાર : અઠવાડિયા પછી રાજ્‍યવ્‍યાપી લડત : આજે ડીસામાં આવેદન : સરકારે ૨ રૂા. આપેલ ઘાસ સડેલું છેઃ પશુઓ ખાતા નથી

ગાંધીનગર તા. ૮ : બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહેલા આંદોલનને પગલે  લાખણી તાલુકાના ગેળા ગામે ૯૭ ગૌશાળા અને પાંજરાપોળના ૨૦૦ જેટલા સંચાલકો અને ટ્રસ્‍ટઓની મહત્‍વની બેઠક યોજાઈ હતી. જેમાં ગૌમાતા માટે સરકાર સામે લડવા સંચાલકોએ એક જૂથ થઈને મક્કમતા બતાવી છે. જો ૭ દિવસમાં સરકાર આ મુદ્દે કોઈ નક્કર પગલા નહિ લે તો ફરી રણશિંગું ફૂંકવાની ચિમકી પણ ઉચ્‍ચારી છે. આ બેઠકમાં ગૌશાળા આગેવાનોએ કહયું કે, સરકાર આ આંદોલનને તોડવાનો પૂરે પૂરો પ્રયાસ કરી રહી છે. સરકારથી ડરવાની જરુર નથી. તમામ સંચાલકોએ સાથે મળીને સરકાર સામે મક્કમ રીતે લડત કરશે તો જ આ સરકાર ગૌશાળાઓને સહાય આપશે. બેઠકમાં તમામ સંચાલકોએ હાથ ઉંચો કરીને આ આંદોલનમાં જોડાવવાની સહમતી બતાવી અને પ્રતિજ્ઞા લીધી કે, સરકાર ભલે આપણને જેલ માં પૂરી દે, કે દમન ગુજારે પરંતુ અમે ગૌમાતા માટે લડીશું.

આજે મંગળવારે ડીસા ખાતે નાયબ કલેકટરને આવેદનપત્ર આપીને સરકારને ૭ દિવસનો અલ્‍ટિમેટમ આપવામાં આવ્‍યું છે.  આ બેઠકમાં મહંતો પણ ઉપસ્‍થિત રહ્યા હતા અને તમામે સાથે મળીને સરકાર સામે લડવાની તૈયારી બતાવી છે. આ આંદોલનને માલધારી સેલે પણ સમર્થન આપ્‍યું છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ડીસા પાંજરાપોળની મુલાકાત લીધી હતી.

 

(1:34 pm IST)