ગુજરાત
News of Thursday, 8th April 2021

સચિવાલય સંકુલમાં કોરોનાનો કહેર :કચેરીઓ બંધ અથવા 50 ટકા હાજરી રાખવા કર્મચારી એસોસીએશની માંગણી

કર્મચારીઓ રોટેશનમાં હાજર રહે તેવી વ્યવસ્થા કરવા અંગેના આદેશો બહાર પાડવા રજૂઆત

અમદાવાદ : કોરોનાના કેસોમાં તબક્કાવાર વધારો થતો જાય છે. સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં હાઉસફૂલના પાટીયાં પડતાં જાય છે. ચારેકોર ભય અને દહેશતનો માહોલ ફેલાયો છે. તેવા સમયે ધી ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોસીએશને ગુજરાતના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સહિતના સત્તાધીશોને લેખિત પત્ર લખ્યો છે. જેમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે ગુજરાત સરકારની કચેરીઓમાં આવશ્યક સેવાઓ સિવાયના વિભાગો, કચેરીઓ બંધ રાખવા અથવા 50 ટકા હજારી કાં તો પછી ત્રીજા ભાગના કર્મચારીઓ રોટેશનમાં હાજર રહે તેવી વ્યવસ્થા કરવા અંગેના આદેશો બહાર પાડવા માટે વિનંતી કરી છે

ધી ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોસીએશનના પ્રમુખ જયેશકુમાર રાવલે ગુજરાતના મુખ્મયંત્રી વિજયભાઈ  રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલ તથા ગુજરાતના મુખ્ય સચિવને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, વર્તમાન સમયાં કોરોનાની વૈશ્વિક મહામારી સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. તેને નાથવા માટે કેન્દ્ર તથા રાજય સરકાર પ્રયાસો કરી રહી છે. આ પરિસ્થિતિમાં રાજય સરકારના અધિકારી/કર્મચારીઓ પણ જીવ જોખમમાં મૂકીને સતત રાજયના હિતાર્થે કાર્યરત છે. તેમ જ ઘણાં કર્મશીલ અધિકારી, કર્મચારીઓ અને તેઓના સ્વજનો કોરોનાથી સંક્રમિત થયા છે અને તેઓના અવસાન પણ થયાં છે.

છેલ્લાં એક માસથી સમગ્ર દેશમાં ફરી આ વાયરસે માથું ઊંચકયું છે જેના લીધે મુખ્યમંત્રી કાર્યાલય, નાયબ મુખ્યમંત્રી કાર્યાલય તથા ઘણાં મંત્રીઓ તથા ધારાસભ્યો તેમ જ મંત્રીઓના કાર્યાલયના અધિકારી/ કર્મચારીઓ અને સચિવાલયના વિવિધ વિભાગો તથા વિભાગ હસ્તકની કચેરીઓના અધિકારી, કર્મચારીઓ સંક્રમિત થયા છે. આમ સચિવાલય સંકુલ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. આથી આ સંક્રમણ અટકાવવું ખુબ જ જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, કોરોનાની પરિસ્થિતને ધ્યાનમાં લઇન રાજય સરકાર દ્વારા 20 શહેરોમાં રાત્રિના 8થી સવારે 6 વાગ્યા સુધીનો કરફયુ જાહેર કર્યો છે. તથા રાજય સરકારની કચેરીઓમાં શનિવાર તથા રવિવારની રજા જાહેર કરી છે. પરંતુ હાલની કોવિડ 19ની પરિસ્થિતિને ધ્યાને લેતાં આ સંક્રમણની સાંકળને તોડવી ખૂબ જ જરૂરી છે. વળી પાછું હાઇકોર્ટના નિર્દેશ મુજબ કોરોના મહામારી સંદર્ભે રાજય સરકાર દ્વારા ચોક્કસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવે તે ખુબ જ આવશ્યક છે. જેથી ગુજરાત સરકારની કચેરીઓમાં આવશ્યક સેવાઓ સિવાયના વિભાગો/ કચેરીઓ બંધ રાખવા અથવા 50 ટકા હાજરી કાંતો પછી ત્રીજા ભાગના કર્મચારીઓ રોટેશનમાં હાજર રહે તેવી વ્યવસ્થા કરવા અંગેના આદેશો જારી કરવા વિનંતી કરી છે

(9:42 pm IST)