ગુજરાત
News of Thursday, 8th April 2021

અમદાવાદમાં કોરોનાની ભયંકર સ્થિતિ : બે જદિવસમાં હોસ્પિટલો ફુલ: વેન્ટિલેટર ખૂટી પડ્યા

108 આખી રાત દોડતી રહી :શબવાહિની અને સ્મશાનમાં વેઇટિંગ

અમદાવાદમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં કોરોના વાયરસની પરિસ્થિતિ જોતા કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જો કે, ખાનગી હોસ્પિટલોમાં માત્ર 39 વેન્ટિલેટર વધ્યા છે. બે દિવસમાં જ હોસ્પિટલો ફુલ થવા લાગી છે. 50 જેટલી હોસ્પિટલમાં હવે બેડ ખાલી નથી. હોસ્પિટલમાં માત્ર 2 કે 4 બેડ જ ખાલી છે. ખાનગી હોસ્પિટલોમા 8 એપ્રિલને ગુરુવારે સવાર સુધીમાં 648 જેટલાં જ બેડ ખાલી છે.

અમદાવાદમાં હાલ કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા શહેરમાં ખાનગી હોસ્પિટલોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો અને સરકારી હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવ્યા છે. જો કે, હાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ખાનગી હોસ્પિટલોમાં પણ મોટ ભાગના બેડ ફુલ થઈ ગયા છે અને ફકત 39 જ વેન્ટિલેટર વધ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોરોનાના કેસો વધવાના કારણે ખાનગી હોસ્પિટલોમાં લગભગ બેડ ભરાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ICU With વેન્ટિલેટરના 243 બેડ ભરાયેલા છે જ્યારે 54 બેડ જ ખાલી રહ્યા છે. આઇસીયુમાં 493 ભરેલા જ્યારે 85 બેડ ખાલી છે, એચડીયુમાં 1281 બેડ ભરેલા છે જ્યારે 284 બેડે ખાલી છે. આઇસોલેશનમાં 1184 બેડ ભરેલા જ્યારે 321 બેડ ખાલી છે. જો, અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા આ રીતે જ વધતી રહી તો આવનારા સમયમાં હોસ્પિટલોમાં ઉભા રહેવાની પણ જગ્યા નહી મળે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે જેમાં વેન્ટિલેટરના 54 જ બેડ ખાલી છે. ખાનગી હોસ્પિટલોમા જે રીતે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દિવસે દિવસે વેન્ટિલેટર પર દર્દીઓ વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. રોજના 20થી વધુ દર્દીઓને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી રહી છે. દિવસે દિવસે વેન્ટિલેટર્સ ઓછાં થઈ રહ્યાં છે અને બે દિવસમાં વેન્ટિલેટર ખૂટી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે.

કોવિડ હોસ્પિટલની પાછળ કોરોનાથી મૃત્યુ પામેલાઓના મૃતદેહ તેમના સગાઓને સોંપવામાં આવતા હતા. પરંતુ તેમને લઇ જવા માટેની શબવાહિનીનું પણ વેઇટિંગ હતું. સ્વજનો ડેડબોડી મળ્યા બાદ સ્મશાન લઈ જાય તો ત્યાં પણ વેઈટિંગ જોવા મળ્યું હતું.

અમદાવાદ શહેરમાં મંગળવારની આખી રાત 108 દોડતી રહી હતી. મંગળવારની રાત્રે કોરોનાના ઇમરજન્સી કેસ વધતાં 108માં પણ ત્રણ કલાકના વેઇટિંગની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને, અમદાવાદમાં કોરોના સંક્રમણના દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટવાની ફરિયાદો વધી હતી. જેના કારણે મંગળવારની રાત્રે કોઈ દર્દી ફોન કરે તો 1 કલાકથી લઈ ત્રણ કલાક સુધી રાહ જોવી પડતી હતી.

(6:08 pm IST)