ગુજરાત
News of Thursday, 8th April 2021

ગાંધીનગર નજીક ચોલીડા પોલીસે પેટ્રોલિંગ હાથ ધરી બાતમીના આધારે કારને ઝડપી 510 લીટર વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે પીછો કરીને ચિલોડા બ્રીજ પાસેથી એક કાર ઝડપી પાડી હતી અને તેમાંથી પ૧૦ લીટર દેશી દારૃનો જથ્થો કબ્જે કર્યો હતો. દારૃ મોકલનાર અને મંગાવનાર સામે પણ ગુનો નોંધીને પોલીસે ૩.૧પ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.     

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઠાલવવામાં આવી રહયો છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરી આવા દેશી વિદેશી દારૃના જથ્થાને પકડવા માટે દોડી રહી છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મહુન્દ્રા પાટીયા તરફથી આવી રહેલી જીજે-૧૮-એબી-૬૫૧૭ નંબરની કાર શંકાસ્પદ લાગી હતી. જેથી તેનો પીછો કરીને ચિલોડા બ્રીજ પાસેથી પકડી લેવામાં આવી હતી. કારમાં તપાસ કરતાં ૧પ જેટલા પ્લાસ્ટીકના કોથળામાં ૫૧૦ લીટર દેશી દારૃ મળી આવ્યો હતો. જયારે કારચાલક અમદાવાદ ઓઢવના રણવીરસિંહ લાલસિંહ રાઠોડની પુછપરછ કરતાં ઠકકરનગરના રઘુનાથસિંહ ઉર્ફે રવિ રોડસિંહ રાઠોડના કહેવાથી કલોલ પાસે એક શખ્સ આ કાર આપી ગયો હતો અને અમદાવાદ ખાતે રહેતાં ઉદેસિંહ ઉર્ફે દીનુસિંહ સીસોદીયાને આ દારૃ આપવાનો હતો. હાલ તો પોલીસે દારૃ અને કાર મળી ૩.૧પ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. 

(5:21 pm IST)