ગુજરાત
News of Thursday, 8th April 2021

ગાંધીનગર નજીક નારદીપુર ગામે રિક્ષાને ઓવરટેક કરવાની લ્હાયમાં અન્ય રીક્ષા પલ્ટી જતા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર:જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર નજીક નારદીપુર પાસે રીક્ષાની ઓવરટેક કરવા જતાં અન્ય રીક્ષા પલટી ખાઈ ગઈ હતી અને તેમાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચતા તેમને ગાંધીનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક યુવાનનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.    

જિલ્લાના હાઈવે માર્ગો હાલ અકસ્માત માટે હોટસ્પોટ બની ગયા છે ત્યારે વાહનચાલકો પણ રોકેટગતિએ વાહનો હંકારતાં હોવાથી અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે. આવી જ એક અકસ્માતની ઘટનામાં સુરેન્દ્રનગર વઢવાણના યુવાનનું મોત નીપજયું છે. ઘટનાની મળતી વિગતો પ્રમાણે વઢવાણના મુલચંદ રોડ પાસે રહેતો યુવાન મહેશકુમાર પ્રહલાદભાઈ વાઝા તેના નાની મશરૃબેન વાદી સાથે કલોલથી રીક્ષા નં.જીજે-૧૮-એવાય-૩૫૩૪માં બેસીને માણસા તરફ જઈ રહયો હતા તે દરમ્યાન નારદીપુર પાસે રીક્ષાચાલકે અન્ય રીક્ષાની ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો અને રીક્ષા પલટી ગઈ હતી. જેમાં સવાર અન્ય મુસાફરોને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી. ઘાયલ મહેશ અને તેની નાનીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ ઉપરના તબીબે મહેશને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે તેના કાકા રાહુલભાઈ વાઝાની ફરીયાદના આધારે કલોલ તાલુકા પોલીસે રીક્ષાચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. 

(5:21 pm IST)