ગુજરાત
News of Thursday, 8th April 2021

અમદાવાદમાં કોરોનાની સ્‍થિતિ વધુ વણસીઃ 1200 બેડની કોવિડ સિવિલ હોસ્‍પિટલમાં દર્દીઓને લઇને આવેલી 108 એમ્‍બ્‍યુલન્‍સની લાઇનો લાગી

અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વધુ વણસતા શહેરમાં વિશ્વપ્રસિદ્ધ 1200 બેડની કોવિડ સિવિલ હોસ્પિટલમાં બુધવારે દર્દીઓને લઇને આવેલી 108 એમ્બ્યુલન્સની લાઇનો લાગી ગઇ હતી. હોસ્પિટલ તંત્ર પરેશાન હતું કે દર્દીઓને ક્યાં દાખલ કરવાદર્દીઓની સંખ્યાનાં હરણફાળ વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ જરુરિયાતના ઓક્સિજન સિલિન્ડર અને દર્દીઓને હોસ્પિટલે અને મૃતકોને સ્માશાને લઇ જતી એમ્બ્યુલન્સના કોલ વધી ગયા છે.

અમદાવાદમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં 15થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં હોય એવાં દૃશ્યો દેખાઈ રહ્યાં હતા. ભયાવહ સ્થિતિ એવી છે કે દર્દીઓ એમ્બ્યુલન્સમાંથી બહાર ઊતરે ત્યારે કયો બેડ આપવો એ માટે હોસ્પિટલ તંત્ર ચિંતામાં છે.

નીતીન પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

સિવિલ કેમ્પસની હોસ્પિટલમાં હવે ધીમે ધીમે બેડ ભરાઈ રહ્યાં છે, જેને કારણે હવે નવા દર્દી માટે શું કરવું એ ચિતાનો વિષય બન્યો છે. આ માટે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે ગુરુવારે પણ લોકોને ભયભીત નહીં થવાની સલાહ આપતા જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં વધુ બેડની વ્વસ્થા કરવામાં આવી રહી છે. તેથી ગભરાવું નહીં.

શબવાહિની અને સ્મશાનમાં વેઇટિંગ

કોવિડ હોસ્પિટલની પાછળ કોરોનાથી મૃત્યુ પામેલાઓના મૃતદેહ તેમના સગાઓને સોંપવામાં આવતા હતા. પરંતુ તેમને લઇ જવા માટેની શબવાહિનીનું પણ વેઇટિંગ હતું. સ્વજનો ડેડબોડી મળ્યા બાદ સ્મશાન લઈ જાય તો ત્યાં પણ વેઈટિંગ જોવા મળ્યું હતું.

108 માટે 1થી 3 કલાકની જોવાતી રાહ

અમદાવાદ શહેરમાં મંગળવારની આખી રાત 108 દોડતી રહી હતી. મંગળવારની રાત્રે કોરોનાના ઇમરજન્સી કેસ વધતાં 108માં પણ ત્રણ કલાકના વેઇટિંગ (Civil 108 Ambulance Queue)ની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને, અમદાવાદમાં કોરોના સંક્રમણના દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટવાની ફરિયાદો વધી હતી. જેના કારણે મંગળવારની રાત્રે કોઈ દર્દી ફોન કરે તો 1 કલાકથી લઈ ત્રણ કલાક સુધી રાહ જોવી પડતી હતી.

આ સ્થિતિ વધુ બગડતા અમદાવાદમાં 108ની વધુ 10 એમ્બ્યુલન્સ સેવામાં મુકાઈ છે. અમદાવાદમાં ચિંતાજનક સ્થિતિએ કોરોના કેસ વધ્યા છે, 108નું વેઇટિંગ ઘટે તે માટે પ્રયત્નો હાથ ધરાયા છે. 108ના સત્તાવાર સૂત્રો કહે છે કે, રાજ્યભરમાં માર્ચ મહિના સુધી 3,000 કોલ આવતા હતા જેમાં એપ્રિલ મહિનાથી વધારો શરૂ થયો છે જે હવે 4,000 કોલ આવવા લાગ્યા છે.

(5:14 pm IST)