ગુજરાત
News of Thursday, 8th April 2021

કોરોના કેસ સતત વધતા હવે તમામ સ્‍પર્ધાત્‍મક પરિક્ષાઓ મોકૂફઃ જીપીએસસી અને માહિતી ખાતાની પરિક્ષા પણ મોકૂફ રાખવા નિર્ણય

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા તમામ સ્કૂલ-કોલેજને બંધ કરવામાં આવી છે. બીજી તરફ એપ્રિલમાં યોજાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓને પણ મોકુફ કરવામાં આવી રહી છે. GPSC અને માહિતી ખાતાની પરીક્ષાને પણ કોરોનાના કેસ વધતા મોકુફ રાખવામાં આવી છે.

કોરોના વાઇરસના સંક્રમણની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 11 એપ્રિલથી 30 એપ્રિલ સુધી GPSC દ્વારા આયોજિત તમામ પ્રાથમિક કસોટીઓ અને મુખ્ય પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. 11 એપ્રિલના રોજ હિસાબી અધિકારી વર્ગ-2ની લેખિત પરીક્ષા (પ્રશ્નપત્ર-5) પણ મોકૂફ રાખવામાં આવે છે.

જ્યારે પોલીસ ઇન્સપેક્ટર, વર્ગ-2ની શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપદંડ કસોટી (PET/PST) તેના નિયત આયોજન મુજબ 22 એપ્રિલ 2021થી 26 એપ્રિલ 2021 સુધી લેવામાં આવશે.

મોકૂફ રહેલ પરીક્ષાઓની નવી તારીખ આયોગની વેબસાઇટ પર યોગ્ય સમયે પ્રસિદ્ધ કરવામાં આવશે.

બીજી તરફ માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) એમ વિવિધ સંવર્ગની ભરતીને કોરોના સંક્રમણને કારણે મોકૂફ રાખવામાં આવી છે.

(5:13 pm IST)