ગુજરાત
News of Thursday, 8th April 2021

એપ્રિલમાં લગ્ન લેનારા પરિવારો ભારે વિમાસણમાં

શરણાઇ ફરી શાંત : બે મહિનાના વિરામ બાદ શરૂ થતી લગ્નસરાની સિઝનને ફરી કોરોના કરફયુ નડશે : એપ્રિલમાં અલગ -અલગ ૬ મુહૂર્તમાં સંખ્યાબંધ લગ્નો લેવાયા : પણ હવે મર્યાદિત મહેમાનોને લઇને નવી ચિંતા

રાજકોટ,તા. ૮: રાજકોટ સહિત રાજ્યનાં મહાનગરોમાં કોરોના મહામારીએ ફરીવાર ઉથલો માર્યો છે. છેલ્લા એક મહિનામાં રાજયમાં કોરોનાનો કેર વરસ્યો છે. એવામાં હવે ફરી વાર સરકારી નિયંત્રણો મૂકી દેવાતા જનજીવન અસરગ્રસ્ત થયું છે. જો કે રાત્રી કર્ફયુ અને વિવિધ નિયંત્રણોને પગલે એપ્રિલમાં લગ્ન લેનારા સંખ્યાબંધ પરિવારો ફરી વિમાસણમાં મુકાઇ ગયા છે. બે મહિનાના વિરામ બાદ શરૂ થતી લગ્નસરાની સિઝનને આ મહિને ફરી વાર કોરોના નડશે એવો મત વર કન્યા પક્ષના સભ્યો આપી રહ્યા છે. એપ્રિલમાં ૬ મુહૂર્તમાં સંખ્યાબંધ લગ્નો લેવાયા છે. પરંતુ હવે મર્યાદિત મહેમાનોની હાજરીના ફરમાનને પગલે વર અને કન્યા પક્ષની ચિંતા વધી ગઇ છે.

એક બાજુ કોરોના અને લોકડાઉન વચ્ચે ગત સિઝનમાં એપ્રિલથી જૂન માસ સુધીના લગ્ન આયોજનો અટવાઇ ગયા હતા તો બીજી બાજુ નવી સિઝનમાં સરકારી નિયંત્રણો, રાત્રી કરફયૂ અને ઓછા મુહૂર્તોને લઇને હાલાકી વધી હતી. લગ્નસરાની નવી સિઝનમાં નવેમ્બરમાં ૨ મુહૂર્ત હતા. પરંતુ રાત્રી કરફયૂ અને મર્યાદિત મહેમાનોની સંખ્યાને લીધે પરેશાની વધી હતી. ડિસેમ્બરમાં ત્રણ મુહૂર્ત બાદ ફેબ્રુઆરીમાં માત્ર બે મુહૂર્ત હતા. જો કે હવે બે મહિનાના વિરામ પી ૨૪ એપ્રિલથી ફરી વાર મુહૂર્તની વણજાર શરૂ થઇ રહી છે એપ્રિલ માસમાં ૨૪,૨૫,૨૬,૨૮,૨૯ અને ૩૦ એપ્રિલ એમ છ લગ્નમુહૂર્ત છે.

પરંતુ હવે રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રીએ ૮ વાગ્યાથી કરફયું મૂકી દેવાતા અને મહેમાનોની સંખ્યા મર્યાદિત કરી દેવાતા લગ્ન લેનારા પરિવારો અસમંજસમાં મુકાઇ ગયા છે. છેલ્લા બે મહિનાથી વિવિધ તૈયારીઓ કરી રહેલા અને અનેક આર્ડરો આપ્યા બાદ આ પ્રકારની સ્થિતી સર્જાતા ચિંતાની સ્થિતી સર્જાઇ છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ બાદ મે માસમાં ૧૧  જૂનમાં ૧૦ અને જૂલાઇ માસમાં ૪ મુહૂત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની શુભ પ્રસંગો કે પારિવારીક પ્રસંગોને ફરી એક વખત ગ્રહણ લાગ્યું છે. આ ગ્રહણ હવે કયારે દૂર થશે તેને લઇને દિવાળી બાદ લગ્નનું મુહૂર્ત લેનારા અનેક પરિવારોના જીવ પણ ટાળવે ચોંટી ગયા છે. લગ્ન પ્રસંગે યોજાનારી વિવિધ રસમ અને કાર્યક્રમો યથાવત રાખવા કે ટુંકાવી લેવા તેને લઇ વર અને કન્યા પક્ષ બંને ભારે દ્વિધા અનુભવી રહ્યા છે. (૨૨.૭)

કેટરિંગ, મંડપ-ડેકોરેશનના વેપારના માઠા દિવસો

કોરોના મહામારી વચ્ચે લગ્નસરા સાથે જોડાયેલા ઇવેન્ટ મેનેજમેન્ટ, કેટરિંગ, મંડપ-ડેકોરેશન જેવા વેપારને ફરી વાર માઠા દિવસો આપ્યા હોવાનો મત અપાઇ રહ્યો છે. બે મહિનાના વિરામ પછી એપ્રિલમાં લગ્નસરાની સિઝન ફરી વાર શરૂ થઇ રહી છે. પરંતુ આ પ્રકારે રાત્રીએ ૮ વાગ્યાથી કરફયુ અને ઓછા મહેમાનોને લીધે અનેક લગ્ન આયોજનોની રોનક ઝાંખી પડી જશે. તેની સીધી અસર ઇવેન્ટ મેનેજમેન્ટ, કેટરિંગ અને મંડપ -ડેકોરેશનના વેપારીને પડશે એવો મત આયોજકો આપી રહ્યા છે. રાત્રી કરફયુને કારણે અનેક ઓર્ડરો રદ થવાની ભીતિ પણ સેવાઇ રહી છે.

(10:14 am IST)