ગુજરાત
News of Thursday, 8th April 2021

અમદાવાદના જુહાપુરામાં કોરોનાએ કહેર મચાવ્યો : છેલ્લા 4 દિવસમાં 14 લોકોનો કોરોનાએ જીવ લીધો

વધુ વિકટ પરિસ્થતિ પાછી ન સર્જાય તે માટે લોકોને સાવચેતી રાખવાની ખુબ જ જરુર

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ વધતા જોવા મળી રહ્યા છે. વધી રહેલા કેસને લઈ હાલ સરકાર દ્વારા રાત્રિ કફર્યુમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે શહેરના જુહાપુરા વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં 14 લોકોના કોરોના વાયરસના કારણે મોત થતા હાહાકાર મચી જવા પામ્યો છે. જો કે, ગત વર્ષના એપ્રિલ અને મેં મહિનામાં જે પરિસ્થતિ જુહાપુરામાં સર્જાઈ હતી તેવી જ પરિસ્થતિ પાછી ન સર્જાય તે માટે લોકોને સાવચેતી રાખવાની ખુબ જ જરુર છે.

શહેરના જુહાપુરમાં વિસ્તારમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં 14 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. એપ્રિલ માસમાં 14 જેટલા લોકોને ગુમાવનારા તેમના પરિવારજનોમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે. જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમની આંખોમાં આંસુ અત્યારે સરી તો રહ્યા છે જ જોડે તેઓ કોરોનાં મહામારીથી ખુબજ ભયભીત બની ગયા છે. તેઓ હવે માની રહ્યા છે કે કોરોના મહામારી ખરેખર રીતે અસ્તિત્વમાં છે અને એટલીજ જીવલેણ પણ છે. હાલમાં અમદાવાદ શહેરની પરિસ્થિતી ઘણી ભયજનક જોવા મળી રહી છે. દરરોજના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેથી હાલ માસ્ક પહેરવું તે જ લોકો માટેનું હથિયાર બની ગયું છે. કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું તે હાલની પરિસ્થિતિ જોતા ખુબ જ જરુરી બની ગયું છે.

જો કે, હજી પણ ઘણા લોકો બિન્દાસ્ત માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. જયારે અત્યારે પણ શહેરના ઘણા એવા વિસ્તારોમાં લોકો રાત્રિ કફર્યુમાં લટાર મારવા માટે નિકળી પડતા હોય છે અને તેમના મોહલ્લા અને સોસાયટીઓમાં ટોળુ કરી ભેગા બેસતા જોવા મળી રહ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં રાજયમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો હતો જેમાં ઘણા લોકોના મોત થયા છે અને કેટલાક ઘરોમાં પિતા અને પુત્રના સાથે મોત થયા છે. જયારે આપણે વાત કરીએ તો જુહાપુરામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 350થી વધારે લોકોના મોત થઈ ગયા છે અને હવે ફરી એકવાર કોરોનાથી મૃત્યુ થવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે.

(11:57 pm IST)