ગુજરાત
News of Thursday, 8th April 2021

સાળીની સાસુ સાથે પ્રેમ સબંધમાં તાડીમાં ઝેર આપી યુવકની હત્યા

જાન્યુઆરીમાં શેરખીની સીમમાંથી મૃતદેહ મળ્યો હતો યુવકે સાળીની આબરુ લેવાની કોશિશ કરી હતી, સાળીએ હકીકત જણાવતાં પરિવારના ૫ાંચ સભ્યની સામે ફરિયાદ

વડોદરા, તા. ૭ : જાન્યુઆરી મહિના દરમિયાન શેરખી ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે નવો વળાંક આવ્યો છે. મૃતકના સાળીની સાસુ સાથે પ્રેમ સંબંધ હોવાથ સાળીની પણ આબરૂ લેવાની કોશિશ કરતા પરિવારે એક સંપ થઈ તાડીમાં ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને આ સમગ્ર પ્રકરણને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાળીએ સમગ્ર હકીકત જણાવતા પોલીસે ફરિયાદના આધારે પરિવારના ૫ સભ્યો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકની પત્ની સુમિત્રાબેન ગોહિલે નોંધાવેલી તાલુકા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્રો છે. તેમના પતિ માણેજાની ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ઈલેક્ટ્રીકનું છૂટક કામ કરતા હતા. અગાઉ મૃતક મેલાભાઈ ગોહિલ અને ભીમપુરા ગામે રહેતા મુકેશભાઈ પરમાર એબીબી કંપનીમાં સાથે કામ કરતા હતા. જેથી બંનેના પરિવાર વચ્ચે ગાઢ સંબંધો બંધાયા હતા. તે દરમિયાન મુકેશ પરમારની પત્ની રમીલાબેન અને મેલાભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પત્નીને શંકા ગઈ હતી. તેમના પતિ ઘણીવાર રમીલાબેનના ઘરે રોકાણ કરતા હતા. ૧૪ નવેમ્બરના રોજ પતિ એટીએમમાં પૈસા કાઢવા જાઉં છું તેમ કહી પોતાનું બાઇક લઇને નીકળ્યા હતા. જોકે મોડી રાત્રે પરત ન ફરતા તપાસ આરંભી હતી. ૧૫ જાન્યુઆરીના રોજ શેરખી ગામની સીમમાં આવેલા ખંડેરમાંથી મેલાભાઈ ગોહિલ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. સ્થળ પર આવી પહોંચેલી ૧૦૮ એમ્બ્યુલન્સે મેલાભાઈને મૃત જાહેર કર્યાં હતા. તે સમયે તેમના બન્ને કાનમાંથી લોહી અને નાકમાંથી સફેદ પ્રવાહી વહી રહ્યું હતું. મૃતકની પત્નીને શંકા ગઈ હતી કે તેમના પતિ અને રમીલાબેન વચ્ચે શારીરિક સંબંધ હોવાથી ઝેરી પ્રવાહી પીવડાવી હત્યા કરી છે. ૧૫ જાન્યુઆરીએ ફરિયાદીની બહેને જણાવ્યું હતું કે, મૃતક મેલાભાઈ અને સાળીની સાસુ રમીલાબેન વચ્ચે શારીરિક સંબંધો હતા. તેઓ સાસુને રૂપિયા પણ આપતા હતા. ત્યાર બાદ સાસુએ મારો મોબાઇલ નંબર મેલાભાઈને આપતા તેઓ અવાર-નવાર ફોન કરી શારીરિક સંબંધની માગ કરતા હતા.

ફરિયાદના આધારે પોલીસે મુકેશ મગનભાઈ પરમાર, નિકિતાબેન મુકેશભાઈ પરમાર, મગનભાઈ પરમાર, રમીલાબેન પરમાર(રે. શેરખી) તથા જગદીશ ભાઈ ગોહિલ(રે. ધૂનડાકુવા, આણંદ) વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

હત્યાના આરોપથી બચવા રમીલાબેનએ મૃતકની પત્નીને બોલાવી જણાવ્યું હતું કે, તમારા પતિનું મોત ગભરામણના કારણે થયું છે. અમે ગભરાઈ જતાં મૃતદેહ ત્યાં મૂકી ઘરે પરત આવી ગયા હતા. તેમની કોઈએ હત્યા કરી નથી. જોકે, મેલાભાઇએ સાળીની આબરૂ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. જે અંગે સાળીએ પતિ મુકેશને જાણ કરતા પરિવારે એક સંપ થઇ મેલા ભાઇનું ઢીમ ઢાળી દેવા પ્લાન ઘડ્યો હતો.

મુકેશ ખેતરમાં છાંટવા માટેની ડીડીટી દવા લઈ આવ્યો હતો અને મૃતક મેલા ભાઈને તાડી પીવા માટે બોલાવી મુકેશ અને મગનભાઈએ તાડીમાં ડીડીટી દવા ભેળવી પીવડાવી દીધી હતી. ત્યારબાદ જગદીશભાઈએ લાશને ઠેકાણે પાડવા પ્લાન ઘડ્યો હતો. અને લાશને રિક્ષામાં અવાવરુ જગ્યાએ છોડી બાઈક શેરખી ગામની સીમમાં મીની નદીની કોતરમાં ધકેલી દીધી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે હત્યારાઓ સામે ઞુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

(9:49 pm IST)