ગુજરાત
News of Thursday, 8th April 2021

સુરતમાં કોરોના વેક્સિનનો જથ્થો ખૂટી પડતા તંત્ર દોડતુ થયું

એક દિવસ માટે રસીકરણની કામગીરી ઠપ મનપા દ્વારા કોરોના સામેની લડાઇમાં મહત્ત્વના એવા કોરોનાના વેક્સિનને મૂકવાની ગતિ એકદમ વધારી દીધી છે

સુરત,તા.૭ : પાલિકા પાસે વેક્સિનનો પૂરતો સ્ટોક ન હોવાને કારણે આજે શહેરના તમામ વેક્સિનેશન સેન્ટરને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હાલ સુરત મહાનગર પાલિકા પાસે ૧૧ હજાર વેક્સિનનો સ્ટોક છે, જેથી વેક્સિન માટે આવનારા લોકોને તકલીફ ન પડે તે માટે બુધવારે તમામ સેન્ટરોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુધવારે બપોર પછી અંદાજે ૨ લાખ રસીનો સ્ટોક આવી જશે તેથી ફરીથી વેક્સિનેશન સેન્ટરોને ફરીથી ચાલું રાખવાની સૂચના આપવામાં આવશે. સુરત મનપા દ્વારા કોરોનાના સંક્રમણ સામેની લડાઇમાં મહત્ત્વના એવા કોરોનાના વેક્સિનને મૂકવાની ગતિ એકદમ વધારી દીધી છે. મનપા દ્વારા રોજના ૩૫ હજારથી વધુ લોકોને વેક્સિન મૂકવામાં આવી રહી છે. ત્યારે મનપા દ્વારા જે ઝડપથી વેક્સિન મુકાઇ રહી છે તેની સામે પૂરવઠાની ગતિ ધીમી હોવાથી સુરતમાં ઝડપથી વઘુમાં વધુ લોકોને વેક્સિન મૂકવાનો લક્ષ્યાંક પૂરો કરવામાં તફલીફ પડી રહી છે.

             રવિવારે વેક્સિનનો ઓછો જથ્થો અને સમયસર ડિસ્ટ્રિબ્યુશનના અભાવે અનેક સેન્ટરો પર વેક્સિન મૂકી શકાય નહોતી. તો ઘણી જગ્યાએ બપોરે ૧૧ વાગ્યા પછી વેક્સિન મૂકવાનું શરૂ થતાં હાજર લોકોને પાછા જવું પડ્યું હતું. ત્યારે મંગળવારે પણ ૨૬ હજાર લોકોને વેક્સિન મુકાયા બાદ સાંજ સુધીમાં માત્ર ૧૨થી ૧૩ હજાર ડોઝ બચ્યા હોવાથી મનપા દ્વારા બુધવારે વેક્સિનેશન બંધ રાખવા નિર્ણય લીધો છે. મનપાના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો વેક્સિનેશન ચાલુ રખાય તો રોજના જે ૩૦ હજારથી વધુ લોકો વેક્સિન મૂકવા આવે છે તેમાંથી અડધાએ પરત જવું પડે. અથવા અડધા દિવસ બાદ વેક્સિનેશન બંધ કરવું પડે. આવું ના થાય અને લોકોને ખોર્ટે ઘક્કો ના પડે એ માટે એક દિવસ વેક્સિનેશન બંધ રાખાવાનું નક્કી કરાયું છે. બુધવારે સાંજ સુધીમાં નવા ૨ લાખ ડોઝનો જથ્થો સુરત મનપાને મળી જશે અને ગુરુવારે રાબેતા મુજબ વેક્સિનેશન ચાલુ કરી દેવાશે. ઉલ્લેખનિય છે કે શહેરમાં રોજ સરેરાશ ૩૫ હજાર લોકોને કોરોનાની રસી મુકવામાં આવે છે. રવિવારે પણ અડાજણ, કતારગામ, વરાછા, અઠવા, રાંદેર, લિંબાયત સહિતના અનેક રસીકરણ કેન્દ્રો ખાતે રસીનો જથ્થો ખુટી પડ્યો હતો. પરિણામે અંદાજે ૩૦ હજારથી વધુ લોકોને પાછા ફરવાનો વારો આવ્યો હતો. કેટલાક કેન્દ્રોમાં તો ૪૫ વર્ષથી ઓછી વયની વ્યક્તિને રસી અપાતી હોવાનું ધ્યાને આવ્યું હતું, તે બાદમાં પાલિકા દ્વારા બંધ કરાવવામાં આવ્યુ હતું.

(9:51 pm IST)