ગુજરાત
News of Monday, 8th March 2021

શેરબજારની ટિપ્સ આપી રૂપિયા ડબલ કરવાનું કહીને લોકોને ખંખેરતી ઇંદોરની ગેંગ ઝડપાઇ

ઇન્દોરમાં ચાલતા કોલ સેન્ટર પર સાઇબર ક્રાઈમનો દરોડો : 31 આરોપીની ધરપકડ :104 મોબાઈલ, 45 કોમ્પ્યુટર સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ :શેરબજારની ટિપ્સ આપી રૂપિયા ડબલ કરવાનું કહી લોકો પાસેથી રૂપિયા પડાવતી મધ્યપ્રદેશ ઇન્દોરની ગેંગને અમદાવાદ સાઇબર ક્રાઇમે ઝડપી પાડી છે. લોકો પાસે ઠગાઈ કરતી ગેંગના 31 આરોપીઓને પોલીસે પકડી પાડયા હતા. ટીમ બનાવી યુવકોને 20 હજાર પગાર અને કમીશનની લાલચ આપી નોકરીએ રાખ્યા હતા. આ ગેંગ લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવા અને થોડા સમયમાં રૂપિયા ડબલ મળશે તેમ કહીં લોકોને ગેરમાર્ગે દોડતી હતી.

પોલીસે કોલ સેન્ટરમાંથી 104 મોબાઈલ, 45 કોમ્પ્યુટર મળી કુલ 3.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

લોકડાઉન બાદ દેશમાં નોકરીઓ ઓછી થવા લાગતા બેકાર યુવાનો કોઈ પણ નોકરી કરવા તૈયાર થઈ જતાં હોય છે. તેવામાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને અનેક લોકોને કોલ અને મેસેજ મહેતા ઇકવિટી કંપનીનાં નામે મળતા હતા. આ ટોળકીએ ગુજરાત સહિત અમદાવાદનાં અનેક લોકો સાથે ઠગાઈ આચરી હતી

સાયબર ક્રાઇમે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે મુખ્ય આરોપી ચેતન રાઠોડ અને ઇન્દ્રદેવ મરિક સહિત 31 આરોપીની ધરપકડ કરી હતી.

અમદાવદામાં સ્ટોક માર્કેટમાં ટિપ્સ આપી લોકોને ડબલ અથવા અનેક ગણો નફો આપવાની લાલચ આપી ઠગાઈ કરતા અનેક કોલ સેન્ટરો ધમધમી રહ્યા છે, પણ કોના ઇશારે આ સેન્ટરો પર રેડ કરવામાં નથી આવતી તે ચર્ચાનો વિષય બન્યો છે

(6:50 pm IST)