ગુજરાત
News of Monday, 8th March 2021

ગાંધીનગરમાં સે-8માં ઘરઘાટી દંપતીએ પરિવારમાં 5.47 લાખની મતાનો હાથફેરો કર્યો

ગાંધીનગર: શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ નવી નથી પરંતુ આ વખતે પરિવારે ઘરકામ માટે રાખેલા દંપતિએ જ ચોરી કરી હોવાની વિગતો બહાર આવી રહી છે. જે ઘટના અંગે મળતી વિગત પ્રમાણે શહેરના સે-૮/બી પ્લોટ નં.૩૨૫માં રહેતા અને નિવૃત જીવન ગુજારતાં ભરતભાઈ રમણભાઈ પટેલ મુળ પોર ગામના રહેવાસી છે અને આ મકાનમાં તેઓ તેમની પત્નિ તેમજ પુત્ર સહિત પરિવાર સાથે રહે છે. બે દિવસ અગાઉ તેમણે ઘરકામ માટે ભરત અને લક્ષ્મી નામના દંપતિને રાખ્યા હતા. જે ઘરની પાછળના ભાગે જ રહેતા હતા. ગઈકાલે તેમનો પુત્ર સે-૩માં સાસરીમાં ગયો હતો અને તેમની દીકરી મુંબઈ ગઈ હતી. આ સમયે આ વૃધ્ધ દંપતિ જમીને સુઈ ગયું હતું. દરમ્યાનમાં ઘરકામ કરતાં દંપતિ માટે પ્રથમમાળે બાથરૃમ હોવાથી પાછળનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. રાત્રીના અઢી વાગ્યે તેમના પત્નિ દવા લેવા માટે ઉઠયા ત્યારે રૃમમાં લાઈટો ચાલુ હતી અને પાછળનો દરવાજો પણ ખુલ્લો હતો. ઘરઘાટીના રૃમમાં જોવા જતાં તે બન્ને જણાયા નહોતા. એટલું જ નહીં મકાનમાં સામાન પણ વેરવિખેર હાલતમાં જણાયો હતો. જેથી તપાસ કરતાં સોનાચાંદીના દાગીનારોકડ રકમ અને ફોરેન કરન્સીની નોટો ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. જેથી આ ઘટના સંદર્ભે તેમના પુત્રને જાણ કરી હતી અને ત્યારબાદ સે-૭ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને પ.૪૭ લાખની મત્તાની ચોરીનો ગુનો નોંધ્યો હતો. પોલીસે નેપાળના ઘરઘાટી દંપતિ એવા ભરત અને તેની પત્નિ લક્ષ્મીની શોધખોળ આદરી છે. સે-૭ પોલીસ ઈન્સ્પેકર જે.એચ.સિંઘવે જણાવ્યું હતું કે ઘરઘાટી દંપતિની શોધખોળ આદરવામાં આવી છે. પરિવારે તેમની પાસેથી ઓળખકાર્ડના કોઈ પુરાવા પણ લીધા નહોતા કે ઘરઘાટી રાખવા સંદર્ભે પોલીસને જાણ પણ કરી નહોતી. આવી ઘટનાઓ અટકાવવા લોકોએ ઘરઘાટી રાખતા પહેલા પોલીસ સ્ટેશનને જાણ કરવી જરૃરી છે. હાલ તો ફરાર દંપતિને શોધવા માટે પોલીસની વિવિધ ટીમો દોડતી કરવામાં આવી છે .

(5:47 pm IST)