ગુજરાત
News of Monday, 8th March 2021

સુરતમાં યુકેના કોરોના સ્‍ટ્રેઈનના ત્રણ કેસ

ગાંધીનગર જિલ્લામાં રસીના બે ડોઝ લીધા બાદ દહેગામના તાલુકા આરોગ્‍ય અધિકારી કોરોના સંક્રમિત થયા છે

સુરત, તા.૮: સુરત શહેરમાં યુકેનો કોરોના સ્‍ટ્રેઈનના એકસાથે ત્રણ-ત્રણ કેસ મળી આવતાં આરોગ્‍ય તંત્રમાં હડકંપ મચી જવા પામ્‍યો છે. બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં રસીના બે ડોઝ લીધા બાદ દહેગામના તાલુકા આરોગ્‍ય અધિકારી કોરોના સંક્રમિત થયા છે.

સુરતમાં યુકેના કોરોના સ્‍ટ્રેઈનના ત્રણ કેસમાં અડાજણની ૫૯ વર્ષીય મહિલા અને અડાજણના ૪૫ વર્ષીય આધેડ તથા અઠવા વિસ્‍તારના ૧૭ વર્ષીય યુવકનો સમાવેશ થાય છે. આ ત્રણેય દર્દીની વિદેશ પ્રવાસની કોઈ હિસ્‍ટ્રી નથી. ફક્‍ત ૧૭ વર્ષીય યુવકની દિલ્‍હીના પ્રવાસની હિસ્‍ટ્રી છે. આ ત્રણેય કેસ ફેબ્રુઆરી માસમાં પોઝિટિવ આવ્‍યા હતા. જેના રેન્‍ડમલી સેમ્‍પલ લઈ નવા કોરોના સ્‍ટ્રેઈનની આશંકા વચ્‍ચે ગત તા. ૧૧ ફેબ્રુઆરીઓ પુણેની લેબોરેટરીમાં મોકલાયા બાદ શુક્રવારે ત્રણેયનો પોઝિટિવ રિપોર્ટ આવ્‍યો હતો.

બીજી તરફ ગાંધીનગર જિલ્લાના દહેગામના તાલુકા આરોગ્‍ય અધિકારી તાલુકા આરોગ્‍ય અધિકારી ડો.આર.કે. પટેલે ૧૬મી જાન્‍યુઆરીના રોજ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. ૨૮ દિવસ બાદ બીજો ડોઝ લીધો હતો. બીજા ડોઝ બાદ કોરોનાના લક્ષણો દેખાતા, ટેસ્‍ટ કરાવતા સંક્રમિત આવ્‍યા છે. હાલ તાલુકા આરોગ્‍ય અધિકારી હોમ આઇશોલેશન છે.

(1:37 pm IST)