ગુજરાત
News of Monday, 8th March 2021

”કન્ટ્રીબ્યુશન ઑફ આત્મનિર્ભર ભારત” થીમ પર GTU દ્વારા ઈન્ટરનેશનલ વુમન્સ– ડેની ઉજવણી

“મુજે કુછ કહેના હે” વિડિયો સ્પર્ધા અંતર્ગત વિદ્યાર્થીનીઓને એવોર્ડ આપીને સન્માનવામાં આવશે

અમદાવાદ : તા.8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ દિને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહિલાઓને લગતા વિવિધ કાર્યક્રમો રજૂ કરીને દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને જ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને સ્ત્રી ચેતના એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ 8 માર્ચના રોજ ઈન્ટરનેશનલ વુમન્સ-ડે નિમિતે “વુમન એન્ટરપ્રિન્યોર્સ: કન્ટ્રીબ્યુશન ઑફ આત્મનિર્ભર ભારત” થીમ પર અવરનેસ પ્રોગ્રામ યોજાશે. જીટીયુના કુલપતિ પ્રો . ડૉ. નવીન શેઠના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે

જીટીયુ અને સ્ત્રી ચેતના એસોસિએશન આયોજીત “મુજે કુછ કહેના હે” વીડિયો સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવશે. જેમાં જીટીયુ સંલગ્ન સંસ્થાની વિદ્યાર્થીનીઓ દ્વારા “સ્ટડીઝ, જેન્ડર ડિસ્ક્રિમીનેશન મેન્ટલ એન્ડ ફિઝીકલ હેલ્થ” તેમજ અન્ય વિવિધ પ્રકારની સમસ્યાના વિષય પર ગુજરાતી , હિન્દી અને અંગ્રેજી ભાષામાં 2 મીનીટનો વિડિયો બનાવીને તેમના પ્રતિભાવ રજૂ કર્યા છે.

185થી પણ વધુ વિદ્યાર્થીનીઓએ પોતાના મંતવ્યો રજૂ કરીને વિડિયો મોકલાવેલ છે. જેમાંથી શ્રેષ્ઠ 3 વિદ્યાર્થીનીઓને એવોર્ડ અને ટોપ-10માં સ્થાન પામનારી વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવામાં આવશે. વિશેષમાં સેનિટરી પેડના ઉપયોગથી લઈને તેના યોગ્ય નિકાલ સંબધિત જાગૃકત્તા માટે ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ (જીએસએમએસ) દ્વારા વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેમાં સેન-બર્ન સ્ટાર્ટઅપના ફાઉન્ડર દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારની તમામ પ્રકારની ગાઈડલાઈનનું પાલન કરીને કાર્યક્રમનું આયોજન કરાશે.

આ કાર્યક્રમમાં સમાજસુધારક અને ઈન્ડિયા પ્રોમિસ કોસ્મેટોલોજીસ્ટના ફાઉન્ડર ડૉ. રાજીકા કચેરીયા મુખ્ય અતિથિ તરીકે વિદ્યાર્થીનીઓને સંબોધશે. જયારે જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન . ખેર , જીટીયુ વુમન ડેવલોપમેન્ટ સેલના ચેરપર્સન ડૉ. ઉષ્મા અનેરા , કો-ઓર્ડિનેટર ડૉ. સારીકા શ્રીવાસ્તવ અને સ્ત્રી ચેતના એસોસિયેશનના પ્રમુખ શૈલજા અંધારે ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને જીટીયુ દ્રારા તેમની સંલગ્ન કોલેજો, યુનિવર્સીટીની વેબસાઇટ ઉપર વિદ્યાર્થીનીની સમસ્યાને લઇને વિદ્યાર્થીનીઓને પોતાનો બે મીનીટનો વીડીઓ તૈયાર કરીને મોકલવાની સૂચના જારી કરી હતી. જેમાં 185 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો છે. તેમાંથી ત્રણ વિદ્યાર્થીનીઓને એવોર્ડ અપાશે. જયારે સાત જેટલી વિદ્યાર્થીનીઓને સન્માનવામાં આવશે તેમ પણ યુનિવર્સીટીના સૂત્રોએ જણાવ્યું છે.

(9:28 pm IST)