ગુજરાત
News of Saturday, 8th February 2020

વકીલોને માંદગી સહાય પેટે દસ લાખ ચુકવવાની તૈયારી

બીસીઆઇની માંદગી સહાય બેઠકમાં નિર્ણય : વકીલ આલમમાં નિર્ણયને વ્યાપક આવકાર : હજુ સુધીમાં રાજયના વકીલોને ત્રણ કરોડ માંદગી સહાય પેટે ચૂકવાયા

અમદાવાદ, તા.૮ : ગુજરાત બાર કાઉન્સીલમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માંદગી સહાય સમિતિમાં સમગ્ર ગુજરાતના તાલુકા અને જિલ્લા અદાલતોમાંથી આશરે ૪૫થી વધુ વકીલોની માંદગી સહાયની અરજીઓ હાથ પર લેવામાં આવી હતી, જેમાં પુખ્ત વિચારણના અંતે ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આ ૪૫ વકીલોને માંદગી સહાય પેટે કુલ રૂ. દસ લાખ ચૂકવવાનો મહ્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને પગલે રાજયના વકીલઆલમમાં આ નિર્ણયને વ્યાપક આવકાર મળી રહ્યો છે. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માંદગી સહાય સમિતિના ચેરમેન દિલીપ કે.પટેલ, સભ્ય અનિલ સી.કેલ્લા અને કિશોરકુમાર ત્રિવેદીના વડપણમાં  મળેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માંદગી સહાય સમિતિના સભ્ય અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા સને ૧૯૯૨થી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ મારફતે મૃત્યુ સહાય તેમ જ માંદગી સહાય સમિતિ મારફતે જરૂરિયાત મંદ વકીલોને આંશિક માંદગી સહાય ચૂકવી આપવામાં આવે છે.

       બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા મૃત્યુ સહાયનું ફંડ અને માંદગી સહાયનું ફંડની ખાસ જોગવાઇ કરવામાં આવી છે. જેમાં મૃત્યુ સહાયના ફંડમાં વેલ્ફેર ફંડ, મેમ્બરશીપ ફી, રિન્યુઅલ ફી તેમ જ વેલ્ફેર ફંડની ટિકિટ દ્વારા ભંડોળ એકઠુ કરવામાં આવે છે. જયારે માંદગીસહાય રૂલ-૪૦ હેઠળની ફી લેવામાં આવે છે, જેમાં જરૂરિયામંદ વકીલોને આજીવન ત્રણ વખત માંદગી સહાયની ચૂકવણી કરવામાં આવે છે. બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ કેલ્લાએ ઉમેર્યું કે, વેલ્ફેર ફઁડની રિન્યુઅલ ફી ભરનાર વકીલોને જ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માંદગી સહાયનો લાભ મેળવવા હકદાર બને છે. ગુજરાતના વકીલોને વધુમાં વધુ રૂ.૯૦ હજાર સુધીની માંદગી સહાય ચૂકવાય છે અને ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ હેઠળ મૃત્યુ પામનાર વકીલોને રૂ.૩.૫૦ લાખની સહાય ચૂકવવામાં આવે છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં રૂ.ત્રણ કરોડ જેટલી માંદગી સહાય વકીલોને ચૂકવવામાં આવી છે.

(8:49 pm IST)