ગુજરાત
News of Saturday, 8th February 2020

અમદાવાદ સહિત રાજ્યમાં કાતિલ ઠંડી : પારો છ થયો

નલિયામાં ફરી એકવાર પારો ૬.૭ સુધી નીચે : ડિસામાં તાપમાન ગગડીને ૧૦.૬ નોંધાયું : અમદાવાદમાં પણ પારો ઠંડા પવનો વચ્ચે ૧૩.૫ : લોકો સુસજ્જ થયા

અમદાવાદ, તા.૮ : ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે પારો ફરી એકવાર ગગડી ગયો હતો. કોલ્ડવેવની કોઇ ચેતવણી જારી કરવામાં ન આવી હોવા છતાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. નલિયામાં ફરી એકવાર પારો ૬.૭ સુધી નીચે પહોંચી ગયો છે. ડિસામાં પણ લઘુત્તમ તાપમાન ૧૦.૬ ડિગ્રી રહ્યું છે. રાજકોટમાં પારો ૧૩ ડિગ્રી રહ્યો છે. ગુજરાતભરમાં ફરી એકવાર ઠંડા પવનોથી સવારમાં જનજીવન ઉપર અસર થઇ રહી છે. અમદાવાદમાં આજે પારો ૧૩.૫ રહ્યા બાદ આવતીકાલે સ્થિતિમાં સુધારો થઇ શકે છે. લઘુત્તમ તાપમાનમાં જોરદાર ઘટાડો નોંધાઈ ગયો છે. આજે અમદાવાદમાં પણ પારો ૧૩.૫ રહ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો આજે ૧૦થી ૧૫ વચ્ચે રહ્યો હતો. નલિયામાં ૬.૪ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ગાંધીનગરમાં ૧૨ અને અમદાવાદમાં ૧૩.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

        સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારો કોલ્ડવેવના સકંજામાં આવી ગયા છે. અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં વધી શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. આનો મતલબ એ થયો કે, ઠંડીની સિઝનની પૂર્ણાહૂતિના ગાળા દરમિયાન હવે ઠંડીમાં આંશિક ઘટાડો થશે. જો કે, લોકો હાલમાં ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાઈ રહ્યા છે. હાલમાં દિલ્હી અને એનસીઆરમાં વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઇ રહી છે જેની અસર પણ જોવા મળી શકે છે. જમ્મુ કાશ્મીરમાં એક બાજુ હિમવર્ષાની મજા માણવામાં આવી રહી છે પરંતુ રાજમાર્ગો ઉપર યાત્રી વાહનો અને ટ્રકોની લાંબી લાઇનો લાગી ગઈ છે.

       કારણ કે, ભારે હિમવર્ષાના કારણે જમ્મુ કાશ્મીરના મુખ્ય માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફ નજરે પડે છે. વાહનો જ્યાં રોકાયા છે ત્યાં જ જીવન અટવાઈ પડ્યું છે. બરફને દૂર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્રણેય રાજ્યોમાં ભારે હિમવર્ષાના કારણે ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ તાપમાનમાં ત્રણથી ચાર દિવસ દરમિયાન ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થઇ શકે છે. આનો મતલબ એ થયો કે, હવે ધીમી ગતિએ ઠંડીની પૂર્ણાહૂતિ થશે.

ક્યાં કેટલું તાપમાન.....

સ્થળ.......................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૧૩.૫

ડિસા............................................................ ૧૦.૬

ગાંધીનગર...................................................... ૧૨

વીવીનગર................................................... ૧૩.૧

વડોદરા....................................................... ૧૩.૨

સુરત........................................................... ૧૭.૮

રાજકોટ........................................................... ૧૩

સુરેન્દ્રનગર............................................... ૧૨.૫

મહુવા.......................................................... ૧૫.૭

ભુજ............................................................. ૧૨.૬

નલિયા........................................................... ૬.૭

કંડલા એરપોર્ટ............................................. ૧૧.૧

પોરબંદર..................................................... ૧૨.૯

(8:41 pm IST)