ગુજરાત
News of Saturday, 8th February 2020

ગુજરાતની નિચલી કોર્ટમાં કેસ નિકાલમાં સૌથી વધુ વિલંબ છે

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં નવી બાબતો સપાટીએ : ગુજરાતની નીચલી કોર્ટમાં એક કેસના નિકાલમાં સરેરાશ દસ વર્ષ : સિસ્ટમમાં સુધારની જરૂર છે : એમએસ શાહ

અમદાવાદ,તા. ૮ : ભારતમાં ન્યાય કરવા જરૂરી ચાર આધારસ્તંભો-પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાનૂની સહાય મુદ્દે બહુ મહત્વનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં અતિ મહત્વના અને ચોંકાવનારા તારણો સામે આવ્યા હતા. ખાસ કરીને ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-૨૦૧૯ મુજબ, નાગરિકોને ન્યાય આપવાની ક્ષમતામાં ભારતના રાજયોમાં ગુજરાત રાજયએ આઠમું સ્થાન હાંસલ કર્યું છે. બહુ મહત્વનો એવો આ રિપોર્ટ આજે ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ મોહિત શાહ, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ડાયરેકટર પ્રો.એસ.શાંતાકુમાર, ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટના ચીફ એડિટર શ્રીમતી માયા દારૂવાલા, ટાટા ટ્રસ્ટના પોલિસી અને એડવોકેસી હેડ શ્રીમતી શીરીન વકીલ અને સોશ્યલ સેન્ટરના સહસ્થાપક ગગન શેઠીના હસ્તે  જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ગુજરાત રાજયએ ન્યાયતંત્ર ક્ષેત્રે અને કાનૂની સહાય આપવામાં અનુક્રમે સાતમુ અને છઠ્ઠુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

         ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં એવી ચોંકાવનારી વાતો સામે આવી હતી કે, દેશના ન્યાયતંત્ર અને પોલીસતંત્રમાં ઘણી જગ્યાઓ ખાલી છે, તો આ બંને ક્ષેત્રમાં હજુ પણ મહિલાઓને વધુ પ્રાધાન્યતા અપાવી જોઇએ તેવું ચિત્ર પણ સામે આવ્યું છે. સાથે સાથે જેલોમાં કાચા કામના કેદીઓની સંખ્યા વધી રહી હોઇ તે પણ ચિંતાજનક મુદ્દો સામે આવ્યો હતો. ગુજરાતના ન્યાયતંત્રમાં ખાસ કરીને લોઅર જયુડીશરીમાં કેસોની પેન્ડીંગ સ્થિતિને લઇ બહુ ગંભીર અને ચિંતાજનક સ્થિતિ સર્વેમાં સામે આવી હતી કે, ગુજરાતમાં લોઅર જયુડીશરી(નીચલી કોર્ટો)માં એક કેસના નિકાલમાં સરેરાશ આશરે દસ વર્ષ જેટલો સમય લાગી જાય છે. જે સમગ્ર દેશમાં સૌથી વધુ સમયગાળો છે. દેશના નાગરિકો માટે ન્યાય કરવાની રાજ્યોની ક્ષમતા પર સૌપ્રથમ રેન્કિંગની જાહેરાત આજે અહીં થઈ હતી,

        જેમાં ૧૮ મોટા અને મધ્યમ કદનાં રાજ્યો(દરેક રાજ્યની વસતિ એક કરોડથી વધારે છે)માં મહારાષ્ટ્રને ટોચનું સ્થાન મળ્યું હતું. ત્યારબાદ અનુક્રમે કેરળ, તમિલનાડુ, પંજાબ અને હરિયાણાએ સ્થાન મેળવ્યું હતું. સાત નાનાં રાજ્યો (એક કરોડથી ઓછી ધરાવતાં રાજ્યો)માં ગોવા ટોચનાં સ્થાને હતું અને ત્યારબાદ સિક્કિમ અને હિમાચલપ્રદેશે સ્થાન મેળવ્યું હતું. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ૨૦૧૯ સેન્ટર ફોર સોશ્યલ જસ્ટિસ, કોમન કોઝ, કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનીશીએટીવ, ડીએકેએસએચ. ટીઆઇએસએસ-પ્રયાસ અને કાયદાકીય નીતિ માટેવિધિ સેન્ટર માટે જોડાણમાં  ટાટા ટ્રસ્ટની આ અનોખી પહેલ છે. આ પ્રસંગે બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ એમ.એસ.શાહે જણાવ્યું હતું કે, આપણી સમગ્ર સીસ્ટમમાં હજુ ઘણા સુધારાને અવકાશ અને આવશ્યકતા છે.

         આ રિપોર્ટ દ્વારા અંતરને દૂર કરવામાં ચોક્કસપણ મદદ મળશે. માનવ સંશાધનની અછત અને કર્મચારીઓની નિમણૂંકમાં વિલંબ આપણી ન્યાય પ્રણાલિમાં મોટી સમસ્યા છે. ન્યાયપ્રણાલિમાં પ્રવેશવા યુવા વકીલોને તાલીમ અને પ્રોત્સાહન પણ એટલું જ જરૂરી છે.  ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ડાયરેકટર પ્રો.એસ.શાંતાકુમાર, ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટના ચીફ એડિટર શ્રીમતી માયા દારૂવાલા, ટાટા ટ્રસ્ટના પોલિસી અને એડવોકેસી હેડ શ્રીમતી શીરીન વકીલ અને સોશ્યલ સેન્ટરના સહસ્થાપક ગગન શેઠીએ પણ પ્રાસંગિક પ્રવચન કરી ઉપયોગી માહિતી આપી હતી.

ગુજરાત અંગે મહત્વના તારણ

ન્યાયતંત્ર અને પોલીસ તંત્રમાં તારણો જારી

અમદાવાદ,તા. ૮ : ભારતમાં ન્યાય કરવા જરૂરી ચાર આધારસ્તંભો-પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાનૂની સહાય મુદ્દે બહુ મહત્વનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં અતિ મહત્વના અને ચોંકાવનારા તારણો સામે આવ્યા હતા. ખાસ કરીને ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-૨૦૧૯ મુજબ, નાગરિકોને ન્યાય આપવાની ક્ષમતામાં ભારતના રાજયોમાં ગુજરાત રાજયએ આઠમું સ્થાન હાંસલ કર્યું છે. ગુજરાતના ન્યાયતંત્ર અને પોલીસ સંદર્ભમાં મહત્વપૂર્ણ તારણ જારી કરવામાં આવ્યા છે.

ન્યાયતંત્ર

*   ગુજરાતની લોઅર જયુડીશરી(સબઓર્ડિનેટ કોર્ટો)માં ન્યાયાધીશોની મંજૂર થયેલી ત્રણ પોસ્ટમાંથી લગભગ એક પોસ્ટ ખાલી છે. પાંચ વર્ષના ગાળામાં આ સ્તરે ખાલી પડેલી જગ્યાઓ ઘટાડાનો ટ્રેન્ડ દર્શાવે છે.

*   ગુજરાત હાઇકોર્ટમાં દસ જજમાંથી ફકત એક મહિલા જજની નિમણૂંક હતી

*   સઅઓર્ડિનેટ કોર્ટોમાં પેન્ડીંગ કેસોનો સમયગાળો સરેરાશ દસ વર્ષનો છે

*   ન્યાયતંત્રના ખર્ચમાં સરેરાશ વધારો રાજયના ખર્ચમાં સરેરાશ વધારો દર્શાવે છે, જે રાજયની પ્રાથમિકતા દર્શાવે છે

પોલીસ

*   ગુજરાતના પોલીસતંત્રમાં ૩૧.૫ ટકા જગ્યાઓ ખાલી હોવાની સાથે દર ત્રણ કોન્ટેબલમાંથી એક કોન્સ્ટેબલની જગ્યા હજુ પણ ખાલી છે. પાંચ વર્ષમાં ખાલી જગ્યાઓમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય સ્તરે કોન્સ્ટેબલની સરેરાશ ખાલી જગ્યા ૨૧.૨ ટકા છે.

*   અન્ય રાજયોની સમાન સાઇઝમાં ગુજરાતમાં શહેરી પોલીસ સ્ટેશનો મોટા વિસ્તારોને આવરી લે છે અને વધારે વસ્તીને સેવા આપે છે

*   જયારે પોલીસ તંત્રમાં મહિલા પોલીસ કર્મચારીઓનું પ્રમાણ ૭.૨ ટકા હતુ ત્યારે અધિકારીઓ વચ્ચે   મહિલાઓનું પ્રમાણ ૫.૬ ટકા હતુ. પાંચ વર્ષના ગાળામાં આ ક્ષેત્રમાં સુધારો થયો છે. રાષ્ટ્રીય સ્તરે પોલીસદળમાં મહિલાઓનો હિસ્સો ૭.૩ ટકા હતો અને પોલીસ અધિકારીઓમાં ૫.૫. ટકા હતો.

*   પોલીસ તંત્રના આધુનિકીકરણના ફંડમાં ૫૦ ટકાથી ઓછાનો ઉપયોગ થયો છે

જેલનું વહીવટીતંત્ર

*   રાજયની જેલોમાં ૩૨ ટકા ખાલી જગ્યા સાથે કેડર સ્તરની ત્રણ પોસ્ટમાંથી એક પોસ્ટ હજુ પણ ખાલી છે. કેડર સ્ટાફની વેકેન્સી માટે રાષ્ટ્રીય સરેરાશ ૩૩ ટકા છે.

*   ૫.૫ ટકા સાથે રાજયની જેલોના વહીવટીતંત્રમાં મહિલાઓનું સૌથી ઓછુ પ્રતિનિધિત્વ ધરાવતા અને વધારે વસ્તી ધરાવતા રાજયોમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ રાષ્ટ્રીય સરેરાશ દસ ટકાથી ઓછુ હતુ

*   ચાર કરેકશનલ સ્ટાફ પોસ્ટમાંથી ત્રણ ખાલી જગ્યા સાથે એક કરેકશનલ અધિકારી આશરે ૧૨,૫૦૦ કેદીઓ પર નજર રાખે છે. કરેકશનલ સ્ટાફની રાષ્ટ્રીય સ્તરની ખાલી જગ્યા આશરે ૪૦ ટકા છે.

*   પાંચ વર્ષના ગાળામાં જેલમાં અંડરટ્રાયલ કેદીઓનો હિસ્સો વધ્યો છે

કાનૂની સહાય

*   કાયદાકીય સહાય માટેની કામગીરીઓ, જાગૃતિ અને સલાહ માટે એનએલએએસએ દ્વારા આપવામાં આવતાં ફંડમાંથી ૮૦ ટકાથી ઓછા ફંડનો ઉપયોગ થયો હતો

*   આશરે ૧૯ ટકા સાથે પેનલમાં પાંચ વકીલોમાં એક વકીલ મહિલા હતી, આ ૧૮ ટકા મહિલા પેનલ વકીલોની રાષ્ટ્રીય સરેરાશથી થોડી વધારે હતી

*   દરેક લીગલ સર્વિસીસ કલીનીક સરેરાશ ૩૭ ગામડાઓને સેવા આપે છે. રાષ્ટ્રીય સ્તરે આ આંકડો દરેક લીગલ સર્વિસીસ કલીનદીઠ ૪૨ ગામડાઓને સેવા આપે છે

*   રાજયની લોક અદાલતો કાયદાકીય પ્રક્રિયા પૂર્વ અસરકારક નિકાલ કરવા અક્ષમ છે

(7:51 pm IST)