ગુજરાત
News of Saturday, 8th February 2020

કપડવંજ તાલુકાના થવાદ નજીક પુરપાટ ઝડપે જતી કારે બાઇકને હડફેટે લેતા બે મિત્રોને કાળ ભરખી ગયો: બંનેના ઘટનાસ્થળેજ મૃત્યુ નિપજ્યા

કપડવંજ :તાલુકાના થવાદ નજીકથી પુરપાટ ઝડપે પસાર થતી સ્વીફ્ટ ડિઝાયર ગાડીના ચાલકે માર્ગ જતાં બાઈકને ટક્કર મારતાં બાઈક પર સવાર બાયડ તાલુકાના બીબીપુરા તાબે વાંટડામાં રહેતાં બે મિત્રોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. આ બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ બાયડ તાલુકાના બીબીપુરા તાબે વાંટડામાં રહેતાં બીંદુભાઈ સવાભાઈ ખાંટ અને તેમના મિત્ર લાલસિંહ ચંદુભાઈ પગી આજરોજ સવારના સમયે હિરોહોન્ડા સ્પ્લેન્ડર બાઈક નં. જીજે-૦૭, સીએલ-૮૯૪૭ લઈ કપડવંજ તાલુકાના થવાદ તાબે વિષ્ણુપુરા લાટ નજીકથી પસાર થઈ રહ્યા હતાં. ત્યારે પુરપાટ ઝડપે પસાર થતી સ્વિફ્ટ ડિઝાયર ગાડી નં.જીજે-૧૮, એએમ-૯૦૧૩ના ચાલકે કિરીટભાઈના બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર કિરીટભાઈ ખાંટ (ઉં.વ ૩૮) અને તેમના મિત્ર લાલસિંહ પગી (ઉં.વ ૩૫) ફંગોળાઈ જઈ રોડની સાઈડમાંથી પસાર થતી ગટરમાં જઈ પડતાં ઈજાગ્રસ્ત બન્યાં હતાં. માથાના તેમજ અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચવાને કારણે બંને જણાંનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આથી ગભરાયેલો ચાલક ગાડી ઘટનાસ્થળે જ મૂકી ભાગી ગયો હતો.

(5:33 pm IST)