ગુજરાત
News of Saturday, 8th February 2020

અમદાવાદમાં શેરની માથે સવા શેર જેવો ઘાટઃ ૩ ગઠીયાઓ ભેગા થઇને અસલી પોલીસના વેપારી પતિને નકલી પોલીસ બનીને દમ તો માર્યો પરંતુ દાદ ન આપતા નજર ચુકવીને ૨ લાખ લૂંટ ચલાવી

અમદાવાદ: નિકોલમાં શેરના માથે સવા શેર જેવો ઘાટ થયો છે. ત્રણ ગઠિયાઓ ભેગા થઇને અસલી પોલીસના વેપારી પતિને નકલી પોલીસ બનીને દમ તો માર્યો, પરંતુ વેપારીએ દાદ ન આપતા અંતે ગઠિયાઓ વેપારીની નજર ચુકવી બે લાખ ભરેલી બેગ લઇને પલાયન થઇ ગયા. જો કે વેપારીએ ગઠિયાની ગાડીનો નંબર નોંધી લીધો હતો. જેથી આખરે ગઠિયાઓ પોલીસ પકડમાં આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર વેપારી ગુજરાત પોલીસના મહિલા DYSP ના પતિ છે.

નિકોલમાં પોલીસ હોવાનો ડોળ કરીને વેપારીની નજર ચુકવી બે લાખની ચોરી કરનાર ત્રણ આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે. પોલીસએ મેહુલ જાદવ, શૈલેન્દ્રસિંહ વાઘેલા અને સુરેશ પટેલ નામના શખ્સની ધરપકડ કરીને ચોરીમાં ગયેલ રૂપીયા 2 લાખ કબ્જે કર્યાં છે. ચાંદખેડામાં રહેતા સુરેશ પટેલ કે જે કઠવાડા જીઆઇડીસીમાં ઇલેક્ટ્રીક પેનલનું કારખાનું ધરાવે છે. રોજીંદા કાર્યક્રમ મુજબ તેઓ ફેક્ટરી બંધ કરીને ઘરે જઇ રહયા હતાં. ત્યારે નિકોલ રીંગરોડ પર નાસ્તો કરવા માટે રોકાયા હતાં. એ દરમિયાન મેહુલ જાદવ અને વિશાલ ગોંડલીયા એક્ટિવા લઇ તેમની પાસે આવ્યા હતાં. અને અમે પોલીસ છીએ. તમે દારૂ પીધેલી હાલતમાં છો તમારી ગાડી ચેક કરવી પડશે. જો કે સુરેશ પટેલના પત્ની ડીવાયએસપી હોવાથી તેઓ પોલીસની કામગીરીથી વાકેફ હતાં. જેથી તેમણે આ ગઠિયાઓને કોઇ દાદ આપી ન હતી. આ દરમિયાન અન્ય એક આરોપી શૈલેન્દ્રસિંહ વાઘેલા અલ્ટો કાર લઇને ત્યાં આવી પહોચ્યો હતો. અને જાણે કે પોતે પોલીસ હોય તેવો ડોળ કરવા લાગ્યો હતો. આમ વાતોમાં લઇને આરોપીઓ સુરેશ પટેલની રૂપીયા બે લાખ ભરેલી બેગ લઇને પલાયન થઇ ગયા હતાં.

જો કે ફરિયાદી સુરેશ પટેલએ આરોપીની ગાડીનો નંબર નોંધી લીધો હતો. અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસએ ફરિયાદ નોંધીને ગાડીના રજીસ્ટ્રેશન નંબરના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને ચોરીમાં ગયેલ રૂપીયા 2 લાખ કબ્જે કર્યાં છે. પકડાયેલ આરોપીઓમાંથી શૈલેન્દ્રસિંહ વાઘેલા અને વિશાલ ગોંડલીયા અગાઉ જુગારના કેસમાં જ્યારે મેહુલ જાદવ નરોડા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાઇ ચુક્યો છે.

(5:12 pm IST)