ગુજરાત
News of Saturday, 8th February 2020

અમદાવાદના લો ગાર્ડન સ્થિત હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝાનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી રૂપાણી: શહેરીજનો ઉમટી પડયાં

મેયર બિજલ પટેલ, કમિશનર વિજય નેહરા અને ભાજપના સિનિયર આગેવાન સુરેન્દ્રકાકાની સાથે હેપ્પી સ્ટ્રીટ ખાતે ફુડનો સ્વાદ માણ્યો

અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અમદાવાદના  લો-ગાર્ડન સ્થિત હેપ્પી સ્ટ્રીટ ફુડ પ્લાઝા એટલે કે, નવા તૈયાર કરાયેલા લો-ગાર્ડન ખાણીપીણીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. મુખ્યમંત્રીએ લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટનું લોકાર્પણ કર્યા બાદ મેયર બિજલ પટેલ, કમિશનર વિજય નેહરા અને ભાજપના સિનિયર આગેવાન સુરેન્દ્રકાકાની સાથે હેપ્પી સ્ટ્રીટ ખાતે ફુડનો સ્વાદ માણ્યો હતો.

જોકે, આજે હેપ્પી સ્ટ્રીટનું લોકાર્પણ બાદ શહેરીજનો ઉમટી પડયાં હતા. અહીં મોટી સંખ્યામાં શહેરીજનો આવતાં ટ્રાફિક જામના દૃશ્યો પણ જોવા મળ્યાં હતા.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવાના ભાગરૂપે રોડ ઉપરથી દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી હતી જેના ભાગરૂપે એક વર્ષ પહેલાં લો-ગાર્ડન ખાણીપીણી બજારને બંધ કરાવી દેવાયું હતુ અહીંથી તમામ ફુટ સ્ટોલને ખસેડી લેવાયા હતા.

જોકે, આ મુદ્દે વિવાદ થયો હતો જેથી મ્યુનિ.એ અહીં નવેસરથી હેપ્પી ફુડ સ્ટ્રીટના નામે ખાણીપીણી બજાર શરૃ કરવાની જાહેરાત કરી હતી. નવેસરથી ડિઝાઇન કરી રૂપિયા 8.40 કરોડના ખર્ચે લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ ફુડ પ્લાઝાનું પુનઃનિર્માણ કરાયું હતુ. અહીં પાર્કિંગ સ્પેસ ઉભી કરાઇ છે સાથે 272 મીટરનો સાયકલ ટ્રેક, 42 બેઠકોની વ્યવસ્થા, 272 મીટરની હેરિટેજ થીમ ઉપર દિવાલ ઉભી કરાઇ છે. 67 વૃક્ષો અને 62 ફુલઝાડને અહીં ઉછેરવામાં આવ્યા છે.

એક સરખી ડિઝાઇનવાળી 31 મોટી ફુટવાન અને 11 જેટલી નાની ફુડવાન ઉભી રહેશે જે મોડી રાતે 1 વાગ્યા સુધી ફુડ પિરસશે. એક વર્ષના લાંબા અંતરાલ બાદ લો-ગાર્ડન ખાણીપીણી બજાર શરૂ થતાં અહીં સ્વાદરસીયા શહેરીજનોનો ધસારો જોવા મળે તેવી સ્થિતિ છે.

(12:00 am IST)