ગુજરાત
News of Saturday, 8th February 2020

વાપી : દુષ્કર્મ બાદ બાળકીની ક્રૂર હત્યા થઈ હોવાનો ધડાકો

બાળકીના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો : બાળકીની લાશ ઘરમાં પંખા ઉપર લટકતી હાલતમાં મળી આવી હતી તેમજ આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ થયો

અમદાવાદ,તા. ૮ : વાપીમાં ધોરણ-૪માં અભ્યાસ કરતી પરપ્રાંતીય પરિવારની ૯ વર્ષીય બાળકીની લાશ ઘરમાં લટકેલી હાલતમાં મળી આવતા ચાલીના માલિકે આ અંગે કંપનીમાં નોકરીએ ગયેલા મૃતકના પિતાને જાણ કરી હતી. જે અંગે પોલીસને જાણ કરાતા લાશનો કબજો લઇ પેનલ પીએમ માટે સુરત રવાના કરી હતી. સુરત સિવિલમાં બાળકીનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકીના ગળા પર નખ અને કાળા ચાંઠાના નીશાન મળી આવ્યાં હતાં. એટલું જ નહી, બાળકી સાથે દુષ્કર્મ બાદ તેને મોતને ઘાટ ઉતારાઈ હોવાનું રિપોર્ટમાં સામે આવતાં આ સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. વાસ્તવમાં બાળકીની લાશ ઘરમાં પંખા પર લટકતી હાલતમાં મળી આવતાં તેને આત્મહત્યામાં ખપાવવાનો હીન પ્રયાસ થયો હતો.

          જો કે, પીએમ રિપોર્ટમાં ખુલાસો સ્પષ્ટ થતાં પોલીસે આરોપીને ઝડપી લઇ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે ભોજન બનાવ્યા બાદ દીકરીને ટિફિન આપી શાળાએ ગઈ હતી, ત્યારબાદ દીકરો અને પત્ની પણ કામ પર ચાલી ગયા હતા. ત્યારબાદ હું પણ કંપનીમાં કામ પર નીકળી ગયો હતો. શુક્રવારે સાંજે સવા ચાર વાગે રૂમ માલિક કંપનીમાં બોલાવવા આવ્યો અને દીકરીએ ફાંસો ખાઈ લીધો હોવાની જાણ થઈ હતી. દોડીને ઘરે ગયા તો દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી. તાત્કાલિક ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવ્યા બાદ મૃતદેહ નીચે ઉતાર્યો હતો. રૂમ માલિકને પડોશમાં રહેતી ભાણેજે જાણ કરી હતી કે, મારી બહેન લટકતી છે. ત્યારબાદ દોડા દોડી થઈ ગઈ હતી. આખી રાત વાપીની સરકારી હોસ્પિટલમાં મૃતદેહ રાખી મુકાયા બાદ આજે સવારે શનિવારે સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ માટે દીકરીનો મૃતદેહ લવાયો છે. 

           બિહારવાસી પરિવારમાં મોટો પુત્ર ગેરેજમાં પિતા પેઈન્ટર અને માતા દવા બનાવતી કંપનીમાં કામ કરતાં હતાં. સંબંધીએ જણાવ્યું કે, બાળકી ઘરમાં બધાની લાડલી અને ભણવામાં પણ હોંશિયાર હતી. તે જોતા આવું કરી જ ના શકે. બનાવ બાદ દરવાજો પણ ખુલ્લો હતો. તેની ઊંચાઇ પણ એટલી નથી કે તે પંખા સુધી પહોંચી શકે. અમને લાગે છે કે તેની સાથે કંઇક ખોટું થયું છે. જો કે, પરિવારજનોની આ શંકા આખરે પોસ્ટમોર્ટમ રિપોર્ટના ખુલાસા બાદ સાચી પડી હતી. આરોપીએ દુષ્કર્મ આચરીને બાળકીને મોતને ઘાટ ઉતારી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(8:45 pm IST)