ગુજરાત
News of Wednesday, 8th January 2020

ગુજરાતભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાળની મિશ્ર અસર રહી

બેંક અને રેલવે યુનિયનોના કર્મચારીઓ સામેલ : માર્ચ અને દેખાવોના કાર્યક્રમ : આવેદનપત્ર સુપરત કરાયું

અમદાવાદ, તા. ૮ : ગુજરાતભરમાં જાહેર ક્ષેત્રની સેવાઓ આજે રાષ્ટ્રવ્યાપી હડતાળના કારણે ખોરવાઈ ગઈ હતી. મહાગુજરાત બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના આશરે ૪૦૦૦૦ કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. બેંકરો તેમના પગારમાં સુધારો ન થતાં દેખાવો ઉપર ઉતર્યા હતા. બીજી બાજુ અન્ય કેટલાક ક્ષેત્રોના કારોબારીઓ પણ હડતાળમાં જોડાયા હતા. ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી બોડી દ્વારા જાહેર ક્ષેત્રની બેંકો રાજ્યમાં બંધ થઇ ગઇ છે ત્યારે આને લઇને પણ ચિંતા વ્યક્ત કરીને હડતાળમાં જોડાયા હતા. હડતાળના કારણે ગુજરાતમાં કેટલીક સેવાઓ ખોરવાઈ હતી. બીજી બાજુ ઓલ ઇન્ડિયા રેલવે મેનના ફેડરેશન, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા મંગળવારના દિવસે જાહેરાત કરવામાં આવી હતી કે, તેઓ જુદા જુદા સ્થળો ઉપર દેખાવ કરીને વિરોધ પ્રદર્શન કરશે. કેન્દ્ર સરકાર દ્વારા ખાનગીકરણની પ્રક્રિયાને ઝડપી કરવા લાગેલી છે. હવે રેલવે ઉપર પણ તમામની નજર કેન્દ્રીત રહેલી છે.

એઆઈઆરએફ અને ડબલ્યુઆરઈયુના પ્રમુખના કહેવા મુજબ હડતાળને લઇને તમામ લોકો પહેલાથી જ સજ્જ હતા. હડતાળ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જુદી જુદી માંગણીઓ સાથે દેખાવ કરવા માટે ઉતરી પડ્યા હતા અને કલેક્ટર કચેરી પાસે ભેગા થયા હતા. સાથે સાથે આવેદનપત્ર પણ સોંપાયું હતું. રેલવે યુનિયનોએ સાબરમતી આશ્રમથી માર્ચ યોજી હતી અને અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. કેન્દ્ર સરકારની જુદી જુદી નીતિઓને લઇને દેખાવો કરાયા હતા. બીજી બાજુ બેંક અને રેલ યુનિયનોની હડતાળ વેળા કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પુરતી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. દરમિયાન વિવિધ માંગો સાથે મજુર સંગઠનની મહિલાઓએ અને ભરુચમાં માંગણીઓને લઇને આંગણવાડી મહિલાઓએ દેખાવો કર્યા હતા. ગાંધીનગરમાં મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અનેકની અટકાયત કરી હતી. અમદાવાદમાં મજુર સંગઠનોની મહિલાનો ડંકો રહ્યો હતો. મજુર વિરોધી સરકાર મુર્દાબાદના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

(9:18 pm IST)