ગુજરાત
News of Wednesday, 8th January 2020

વિશ્વામિત્રીમાં કચરો ફેંકનારા સાવધાન : ટેમ્પો ભરીને 25થી વધુ પ્લાસ્ટિકના થેલામાં કચરો ઠાલવનારને એક લાખનો દંડ ફટકારાયો

વડસર પાસે ટેમ્પો ભરીને કચરો નાખ્યાનો વિડિઓ વાયરલ થયા બાદ તપાસના અંતે ટ્રાન્સપોર્ટરને દંડ ઝીકાયો

વડોદરા :વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ટેમ્પોમાં ભરી કચરો ઠાલવનાર ટ્રાંસપોર્ટરને મનપાએ એક લાખનો દંડ ફટકાર્યો છે  25થી વધુ પ્લાસ્ટિકના થેલામાં એઠવાડ નાખવાનો નાખવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયો વાઇરલ થયા બાદ મનપાની પશ્ચિમ ઝોન સક્રિય બની હતી.અને તપાસ હાથ ધરી હતી

  બે દિવસ પહેલાં વિશ્વામિત્રી નદીમાં વડસર પાસે ટેમ્પો ભરી કચરો નાખવામાં આવ્યો હતો. મનપા દ્વારા આ બનાવનો વીડિયો વાયરલ થતા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં વાહનનો નંબર GJ6 AZ 3936 હોવાનું બહાર આવ્યું હતું અને ગોત્રી રોડ સ્થિત વિધિ ટ્રાન્સપોર્ટના માલિક અનિલ ઠક્કરના નામે વાહન હોવાનું ખુલ્યું હતું.
  પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર ભુપેન્દ્ર શેઠે ન્યૂઝ 18 સાથે વાતચીતમાં જણાવ્યું કે વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષણના મામલે નદીની આસપાસ પણ કચરો નાખનારાઓ સામે મનપાએ ભૂતકાળમાં પણ દંડાત્મક કાર્યવાહી કરી છે ત્યારે પર્યાવરણને નુકશાન કરવા બદલ કચરો ફેંકનાર ટ્રાન્સપોર્ટરને રૂપિયા એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટરે એક લાખનો દંડ નોટિસ આપ્યા બાદ ભરી દીધો છે. આમ સોશિયલ મીડિયાની જાગૃતિના કારણે વિશ્વામિત્રી નદીમાં ગંદકી કરનારાઓ પર તવાઈ બોલી છે.
   સોમવારે કચરો ફેંકનારનો વીડીયો વાઇરલ થયો હતોઉલ્લેખનીય છે કે સોમવારે વડોદરા શહેરના વિશ્વામિત્રી નદી પર વડસર વિસ્તારમાં બનેલા પૂલ પરથી એક ટેમ્પોએ 25 થેલી કચરો નદીમાં ઠાલવ્યો હતો. જાગૃતિ નાગરિકોએ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયોના પગલે સફળા જાગેલા મનપા તંત્રએ સપોટ બોલાવ્યો હતો અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

(8:39 pm IST)