ગુજરાત
News of Wednesday, 8th January 2020

વડોદરામાં હુમલાના વિરોધમાં કોંગી દ્વારા ફુગ્ગાઓ ઉડાવાયા

કોંગ્રેસના ૪૦થી વધુ કાર્યકર્તાઓની અટકાયત : એબીવીપી, ભાજપા, પોલીસની વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર હુમલાખોરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટેની માંગ

અમદાવાદ,તા. ૮  : અમદાવાદમાં એન.એસ.યુ.આઇ.ના કાર્યકરો પર એ.બી.વી.પી. દ્વારા કરવામાં આવેલા હિંસક હુમલાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે રાજ્યભરમાં ધરણા-પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયા હતા ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સયાજીગંજ ડેરી ડેન ખાતે ધરણાં-પ્રદર્શનનો યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસે કાળા ફુગ્ગા ઉડાવીને જોરદાર વિરોધ કર્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા ૪૦ જેટલા કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસ અગ્રણીઓએ એ.બી.વી.પી.ના હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. કોંગ્રેસના ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયેલા કાર્યકર્તાઓ દ્વારા એબીવીપી, ભાજપ અને પોલીસની વિરૂધ્ધમાં જોરદાર સૂત્રોચ્ચાર કરાયા હતા, જેને લઇ વાતાવરણ જોરદાર રીતે ગરમાયુ હતું. ગઇકાલે અમદાવાદમાં એન.એસ.યુ.આઇ.ના કાર્યકરો ઉપર એ.બી.વી.પી.ના કાર્યકરો દ્વારા લાકડીઓ, પાઇપો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. એ.બી.વી.પી. દ્વારા કરવામાં આવેલા હુમલાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સયાજીગંજ ડેરી ડેન ખાતે આજે સાંજે ૪-૦૦ થી ૫-૦૦ દરમિયાન ધરણાં-પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

                  શરૂઆતમાં પોલીસે કોંગ્રેસના બેનર્સ જપ્ત કર્યાં હતા. પરંતુ બાદમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની ખાત્રી આપતા પોલીસે બેનર્સ પાછા આપ્યા હતા. અને કોંગ્રેસના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ધરણાં પર બેઠા હતા. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આયોજીત કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ), પ્રવક્તા અમિત ઘોટીકર, કાઉન્સિલર્સ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને એન.એસ.યુ.આઇ.ના પ્રમુખ દેવાંગ ઠાકોર, વ્રજ પટેલ સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને એ.બી.વી.પી. સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

જો કે, કોંગ્રેસના કાર્યકર્તાઓના સરકાર, ભાજપ અને એબીવીપી વિરૂધ્ધના સૂત્રોચ્ચાર અને દેખાવો ગરમાતાં પોલીસે એક તબક્કે ૪૦થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી, જેને લઇ કોંગ્રેસે પોલીસ પર ભાજપ સરકારના ઇશારે કામ કરી રહી હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા.

(8:21 pm IST)