ગુજરાત
News of Wednesday, 8th January 2020

નર્મદા કોંગ્રેસે NSUI કાર્યકરો પર હુમલો કરનારને સજાની માંગ સાથે મોદીની હાય હાય બોલાવી

દોષીતો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે જો ન્યાય નહિ મળે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અમદાવાદમાં NSUI ના કાર્યકરો JNU મુદ્દે ABVP કાર્યાલય પાસે પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.દરમિયાન NSUI ના કાર્યકરો પર લાકડી, દંડા વડે હુમલાની ઘટના બની હતી.નવાઈની વાત તો એ છે કે ગુજરાત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ પણ એ સમયે ત્યાં જ ઉપસ્થિત હતા.આ ઘટનામાં NSUI ના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી ગંભીર ઘાયલ થતા એમને સારવાર માટે ખસેડાયા હતા.આ ઘટનાથી કોંગ્રેસી કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે અને દોષીતોને સજા કરવાની માંગ કરી છે.

  નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હરેન્દ્ર વાળંદ,નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવા, મંત્રી પ્રફુલ્લ પટેલ, રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા મૂંતેઝીર ખાન શેખ, ભરત વસાવા, કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલ, યુવક કોંગ્રેસના વાસુદેવ વસાવા, ચંદ્રેશ પરમાર, જીજ્ઞેશ કોન્ટ્રાકટર, તાલુકા સદસ્ય પ્રકાશ વસાવા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસી કાર્યકરોએ રાજપીપળા ગાંધી ચોક ખાતે આ હુમલાની ઘટનાના વિરોધમાં ધરણાં પ્રદર્શન કર્યું હતું.પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહના હાય હાય ના નારા લગાવી દોષીતો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી. સાથે સાથે જો ન્યાય નહિ મળે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

(7:58 pm IST)