ગુજરાત
News of Wednesday, 8th January 2020

દિલ્હીના JNUમાં થયેલી હિંસક અથડામણના પડઘા ભરૂચમાં પડ્યાઃ NSUI દ્વારા વિરોધ પ્રદર્શન

ભરૂચ: ભરૂચ જે.પી કોલેજના પટાંગણમાં પણ એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અમદાવાદ પાલડી વિસ્તારમાં આવેલા એબીવીપીના કાર્યાલયની બહાર એનએસયુઆઇ દ્વારા વિરોધ કરાઇ રહયો હતો તે સમયે એબીવીપી અને એનએસયુઆઇના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેને લઇ ભરૂચ એનએસયુઆઇ દ્વારા આજે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દિલ્હીની જેએનયુમાં થયેલી હિંસક અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા હતા જેના પગલે હવે સમગ્ર ભારતભરમાં તેના પડઘા સંભળાઈ રહ્યા છે. જેના કારણે વિવિધ કોલેજોની અંદર વિદ્યાર્થીઓ દ્વારા એ ઘટનાને વખોડતાં વિરોધ પ્રદર્શન થતાની સાથે જ બે વિદ્યાર્થી પરિષદો સામસામે આવી ગઈ છે.ગુજરાતની પણ યુનિવર્સિટી અને ફેકલ્ટીઓમાં એકબીજા પ્રત્યે વિરોધ પ્રદર્શનનો દોર શરૂ કરી દીધો છે, ત્યારે આ લડાઈ ક્યાં જઈને અટકશે અને દેશનું ભાવિ ક્યાં જશે તેની બુદ્ધિજીવો ચિંતા કરી રહ્યા છે. હાલ તો દિલ્હીની હવા ગુજરાતમાં વહી રહી છે અને વિદ્યાર્થીઓ સામે આવીને ઉગ્ર બની રોડ પર ઉતરી ગયા છે તે હવે ગુજરાત સરકાર માટે પણ ચિંતાનું કારણ બની જવા પામ્યું છે.ભરૂચ એનએસયુઆઇ દ્વારા ભરૂચ જે.પી કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જીલ્લા પ્રમુખ શેરખાન પઠાન, યોગી પટેલ, સુધીર અટોદરિયા, સંદિપ માંગરોલા, જયોતિબેન તડવી, સહિતનાં આગેવાનોની અટક કરવામાં આવી હતી. એનએસયુઆઇના કાર્યકરોએ સરકાર વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચારો કર્યા હતા.

(5:24 pm IST)