ગુજરાત
News of Wednesday, 8th January 2020

ખેડા જિલ્લામાં ધમધમતા જુગારધામ પર દરોડા પડાવ્યા હોવાનો વ્હેમ રાખી યુવાનને ધમકી આપતા ગુનો દાખલ

ખેડા:જિલ્લા એલસીબી પોલીસની ટીમે ગતરોજ રાત્રીના નવ વાગ્યાના અરસામાં નડિયાદ તાલુકાના ઉતરસંડામાં આવેલ રામદેવપીર મંદિર નજીક રહેતાં પુનમભાઈ વાઘજીભાઈ ઠાકોરના ઘર નજીક ચાલતાં જુગારધામ પર દરોડો પાડી છ ઈસમોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જો કે આ દરોડામાં પોલીસ જુગારધામ ચલાવનાર પુનમભાઈ ઠાકોરને પકડી શકી ન હતી.

પોલીસના દરોડા બાદ અડધા કલાકમાં જ પુનમભાઈ વાઘજીભાઈ ઠાકોર, રાહુલભાઈ પુનમભાઈ ઠાકોર, મેહુલભાઈ પુનમભાઈ ઠાકોર અને વિજયભાઈ કાંતિભાઈ ઠાકોર હાથમાં ડંડા લઈ તેમના ઘર નજીક રહેતાં દિપકભાઈ બુધાભાઈ ઠાકોરના ઘરે પહોંચ્યાં હતાં. અને ગમેતેમ અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. અને દિપકે એલસીબીમાં બાતમી આપી મારા ઘરે દરોડો પડાવ્યો છે કહી ઘરના દરવાજે ડંડા પછાડવા લાગ્યાં હતાં. જેથી ગભરાયેલા દિપકભાઈ ઘરના પાછળના દરવાજેથી બહાર નીકળી ત્યાંથી ભાગી ગયાં હતાં. બુમાબુમ થતાં આસપાસના લોકો બહાર આવી જતાં ચારેય જણાં ત્યાંથી જતાં રહ્યાં હતાં. જે બાદ રાહુલભાઈ પુનમભાઈ વાઘેલાએ દિપક ઠાકોરને મોબાઈલ પર ફોન કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

(5:13 pm IST)