ગુજરાત
News of Wednesday, 8th January 2020

જીવનમાં પ્રભુના ધારક સંત સાથે મૈત્રી અનિવાર્ય : પૂ.હરિપ્રસાદ સ્વામી

વચનામૃત દ્વિશતાબ્દી નિમિતે વડોદરામાં ઉજવાયો આત્મીય યુવા મહોત્સવ : દેશ-વિદેશમાંથી યુવાનોએ ભાગ લીધોઃ યુવાનોની શકિત સન્માર્ગે વળે તો ચમત્કારો સર્જી શકે છે : વિજયભાઈ રૂપાણી : સફળતા મળ્યા પછી તેને ટકાવી રાખવા માટે ભાવના સાથે પ્રભુભકિત કરવી જોઈએ : પૂ.દ્વારકેશલાલજી : પરાક્રમ એ યુવાનીની તાસીર : પૂ.અવધેશાનંદગિરિજીઃ જીવનમાં ધર્મ અને કર્મનો સમન્વય સાધીને ભારતને વિશ્વની મહાસત્તા બનાવવામાં યુવા શકિત મહત્વની ભૂમિકા ભજવશે : અમિતભાઈ ચાવડાઃ સમાજમાં સંસ્કારોની ઉણપ ન સર્જાય તે માટે સંતો પરિશ્રમ કરે છે અને પરિશ્રમની અભિવ્યકિતથી આવા દિવ્ય મહોત્સવોના માધ્યમથી થતી હોય છે : પરેશભાઈ ધાનાણીઃ આજના યુવાનોમાં સકારાત્મક વિચારધારા પ્રગટાવવામાં : સંતોની ભૂમિકા મહત્વની રહે છે : જે.પી.નડ્ડા સત્સંગથી સુખ, શાંતિ અને સરળતા પ્રાપ્ત થાય છે : પૂ.નિખિલેશ્વરાનંદજી

રાજકોટ : ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધિત મહાગ્રંથ શ્નવચનામૃતલૃદ્વિશતાબ્દી નિમિત્ત્।ે હરિધામ – સોખડા દ્વારા વડોદરામાં  આંતરરાષ્ટ્રીય આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની પ્રેરણાથી યોજાયેલા આ મહોત્સવમાં ભારત ઉપરાંત વિશ્વના છવીસ દેશોમાંથી બે લાખથી વધુ યુવાનો – યુવતીઓએ ભાગ લીધો હતો.  વડોદરા પાંજરાપોળ મેદાન ઉપર ૩૦૦ એકર વિસ્તારમાં યોજાયેલા આ મહોત્સવ માટે વિશાળ પરિસર ઉભું કરવામાં આવ્યું હતું. 

આ મહોત્સવના પ્રારંભે ભારતીય સંસ્કૃતિના આદર્શો, સ્વામિનારાયણ પરંપરાના વિવિધ પ્રસંગો તેમજ યુવાનોના ઉત્કર્ષ માટે થયેલાં કાર્યોને તાદૃશ્ય કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ  શ્નસંત પરમ હિતકારીલૃરજૂ કરવામાં આવ્યો હતો.  આ દ્રશ્ય-શ્રાવ્ય કાર્યક્રમમાં જીવનમાં આધ્યાત્મિકતા અને સંતો સાથેની મૈત્રીની અનિવાર્યતા પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.

આત્મીય યુવા મહોત્સવના ઉદઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ શ્રી સુરેશભૈયાજી જોશીએ યુવાનોને જીવનમાં નિર્ભયતા કેળવવા, દેશ વિશેના અજ્ઞાન દૂર કરવા અને અધિકારની પહેલાં કર્તવ્યને સ્થાન આપવા આહવાન કર્યું હતું.  ભારતની ભૂમિ વંદન અને અભિનંદનની ભૂમિ છે.  હરિપ્રસાદ સ્વામીજી જેવા મહાન સંતોની તપશ્ચર્યાથી આ ભૂમિ પાવનકારી બની છે.

મહોત્સવના પ્રથમ સત્રમાં પૂ. હરિપ્રસાદ સ્વામીજીએ કહ્યું હતું કે, આત્માની યાત્રાને પ્રભુતરફ નિર્વિઘ્ને ચલાવવા માટે જીવનમાં પ્રભુના ધારક સંત સાથે મૈત્રી અનિવાર્ય છે.  આંખને યોગ્ય જોતી કરવા માટે, કાનને યોગ્ય સાંભળતા કરવા માટે, જીભને યોગ્ય બોલતી-ખાતી કરવા માટે, મગજને યોગ્ય વિચારતું કરવા માટે સંતની અમૃતવાણી પીવી જ પડે.  તો જીવનમાં સાચી હળવાશ પ્રગટે.  એ હળવાશથી આત્માની યાત્રા પ્રભુ તરફ ચાલે.

પૂ. હરિપ્રસાદ સ્વામીજીએ એમ પણ કહ્યું હતું કે, આયુર્વેદનાં મતે શરીરમાં કોઈપણ રોગ માટે વાત, પિત્ત્। અથવા તો કફ જવાબદાર હોય છે તેમ જીવનમાં વિવિધ સમસ્યાઓના મૂળમાં આ હઠ,માન અને ઈર્ષ્યા જ હોય છે.  આ ભાવોથી મુકત થવા માટે જીવનમાં સત્પુરુષ સાથેની મૈત્રી અનિવાર્ય છે.  હઠ, માન અને ઈર્ષ્યાનો સ્વભાવ દ્યટે ત્યારે પ્રભુનો પ્રભાવ વધે. એ પ્રભાવ વધારવા માટે  સંતો સહુના હૃદયમાં પ્રભુની પ્રતિષ્ઠાનો યજ્ઞ કરી રહ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ મુખ્ય અતિથિપદેથી સંબોધિત કરતાં કહ્યું હતું કે, આજના યુવાનોમાં સકારાત્મક વિચારધારા પ્રગટાવવામાં સંતોની ભૂમિકા મહત્વની રહે છે.  સામાજિક અને સાંસ્કૃતિક સૌહાર્દનો વિસ્તાર કરવાનું કામ યુવાનોનું છે.  યુવાનોને આ માટે સક્ષમ કરવાનું કામ સંતો કરે છે. યુવાનો ઉર્જાનો સ્ત્રોત હોય છે.  સંતોના સહવાસમાં આ ઉર્જા વૈશ્વિક ઉત્કર્ષનું માધ્યમ બને છે.  આ ઉર્જા આત્માને આત્મા સાથે જોડીને આત્મીયતા પ્રગટાવવામાં નિમિત્ત્। બને છે. 

શ્રી નડ્ડાએ ધર્મ વગરની રાજનીતિ વિવેકહીન બની રહે છે.  રાજસત્ત્।ા પર ધર્મસત્ત્।ા અંકુશનું કામ કરે છે.  દેશની સમસ્યાઓના ઉકેલ માટે સંવેદનશીલ અભિગમ વિકસાવવો જરૂરી છે.  આ અભિગમ વિકસાવવામાં ધર્મભાવના ઉદ્દીપકનું કાર્ય કરે છે.  આત્મીયતાને કારણે સહુને સાથે લઈને ચાલી શકવાની ક્ષમતા વિકસે છે.  આ ક્ષમતા છેવાડાના માનવીનું કલ્યાણ કરવાની પ્રેરણા આપે છે.  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા છેલ્લાં છ વર્ષમાં થ્યેલ લોકકલ્યાણનાં કાર્યોની વાતને તેમણે પોતાનાં વકતવ્યમાં વણી લીધી હતી. 

રામકૃષ્ણ આશ્રમ -  રાજકોટના અધ્યક્ષ પૂ. નિખિલેશ્વરાનંદજીએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સત્સંગથી સુખ, શાંતિ અને સરળતા પ્રાપ્ત થાય છે.  જેને કારણે સ્વાર્થને બદલે પરમાર્થના વિચાર આવે. વિશ્વના સુખમાં નિમિત્ત્। બનવાની પ્રેરણા મળે છે.  વ્યકિત માત્ર પોતાને માટે જીવીને સુખ મેળવે છે શાશ્વત નથી રહેતું.  સમાજનો, દેશનો તેમજ વિશ્વનો વિચાર કરીશું ત્યારે જે આનંદ મળશે તે શાશ્વત હશે.  જીવનમાં આધ્યાત્મિકતા હશે તો આપણું દરેક કર્મ પ્રભુની ભકિત બની રહેશે. 

આત્મીય યુવા મહોત્સવમાં ભાગ લઈ રહેલા યુવાનોનાં શિસ્તથી પ્રભાવિત થતાં તેઓએ ઉમેર્યું હતું કે, સ્વામી વિવેકાનંદે દેશની તાસીર અને તકદીર બદલી નાખે તેવા યુવાનો તૈયાર કરવાનું સ્વપ્ન જોયું હતું.  સ્વામીજીનું એ સ્વપ્ન  બહુ નજીકના ભવિષ્યમાં સાકાર થશે તેવી પ્રતીતિ આ યુવાનોનાં દર્શન કરીને મારા મનમાં જન્મી છે.  વિવેકાનંદજી યુગદ્રષ્ટા હતા તેમણે કહ્યું હતું કે, આધ્યાત્મિક સંસ્કૃતિને કારણે ભારત વિશ્વ પર રાજ કરશે.  તે ભવિષ્યવાણી પણ આ યુવાનો સાચી પાડશે.

આ મહોત્સવમાં યુવાવૈષ્ણવાચાર્ય પૂ. ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજે કહ્યું હતું.  માણસના જીવનમાં ત્રણ પડકાર છે – સર્વાઈવલ- સ્ટેબિલિટી – સકસેસ. ટકવું, સ્થિર થવું અને સફળ થવું.  સફળતા મળ્યા પછી તેને ટકાવી રાખવા માટે ત્રણ ભાવના  સાથે પ્રભુભકિત કરવી જોઈએ – સેલ્ફલેસનેસ- ઇગોલેસનેસ-સરેન્ડરનેસ.  સ્વને ભૂલી, અહમ શૂન્ય થઈને પ્રભુચરણે સમર્પણ.  આ ગુણોથી જીવનમાં સંતુલન સધાય છે.  જેનું માધ્યમ પ્રભુમાન્ય અને પ્રભુમય જીવનની પ્રેરણા આપતા સંતો બને છે.  સદવિદ્યા, કરુણા અને શાંતિ પ્રદાન કરીને કાળના વિપરીત પ્રવાહમાં પ્રવાહિત થતાં બચાવે છે.

માણસ જે બહાર દેખાય છે તે તેનું વ્યકિતત્વ છે અને અંદર જેવો હોય તે તેની પ્રતિભા છે.  આત્મીય યુવા મહોત્સવ એ આ વ્યકિતત્વ અને પ્રતિભા ખિલાવવાનો અવસર છે.  આવા ઉત્સવોના માધ્યમથી હરિપ્રસાદ સ્વામીજીએ યુવાનોને જગાડયા છે, જોશ જનમાવ્યો છે અને જશ પણ આપ્યો છે.  સદગુરૂ, સદપંથ અને સદગ્રંથનો મહિમા સમજાવીને યુવાનોના જીવનને નૂતન દિશા આપી છે. વિપરીત કાળથી પ્રભાવિત થતા બચાવીને યુવાનોની યુવાનીને ધન્ય કરી છે. 

આ પ્રસંગે મહામંડલેશ્વર અવધેશાનંદગિરિજી મહારાજે કહ્યું હતું કે, વિશ્વમાં સનાતન ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે.  કારણ કે તેનું જતન, પોષણ અને સંવર્ધન અવતારો અને પ્રભુમય જીવન જીવતા સંતોએ કર્યું છે.  યુવાનોએ આ સંસ્કૃતિના વાહક બનીને એ આકર્ષણને વર્ધમાન રાખવાનું છે.  યુવાની એ સહુનું સ્વપ્ન છે.  બાળક, કિશોર અને તરૂણને યુવાન બનવા માંગે છે તો પ્રૌઢ તથા વૃધ્ધને યુવાની ટકાવી રાખવી છે.  સાચી દિશામાં પ્રગતિ જ સાચી યુવાની છે.  આપણી સંસ્કૃતિના મહાન આત્માઓએ જે કાંઇ પ્રદાન કર્યું છે તે તેમની યુવાનીમાં  કર્યું છે.  પરાક્રમ એ યુવાનીની તાસીર છે.  આ પરાક્રમ જ પરિવર્તન અને રૂપાંતરણનું કારણ બને છે.

અનુપમ મિશનના અધ્યક્ષ પૂ. જશભાઈ સાહેબજીએ ગુરૂહરિ યોગીજી મહારાજના સમયના વિવિધ પ્રસંગો વર્ણવીને હરિપ્રસાદ સ્વામીજીનું મહાત્મ્ય દર્શન કરાવ્યું હતું.  તેમણે કહ્યું હતું કે, સંસ્કૃતિના સંસ્કારોથી સજ્જ યુવાસમાજનાં સર્જન દ્વારા સ્વામીજીએ સમાજને અનુગ્રહિત કર્યો છે.  યોગીજી મહારાજની આજ્ઞાથી અઠવાડિક સત્સંગ સભાની શરૂઆત કરવામાં અને તેનો ગામેગામ પ્રસાર કરવામાં સ્વામીજીએ મુખ્ય ભૂમિકા ભજવીને સહુને આત્મકલ્યાણના માર્ગે વાળ્યા છે.

યુવકોના જીવન પ્રકાશિત બને તે માટે સ્વામીજીએ મીણબતીની જેમ ઓગળીને સહુના અહમને ઓગાળવાનો યજ્ઞ કર્યો છે.  તેવું પણ સાહેબજીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુરૂની છત્રછાયામાં શિષ્યને શીતળતા પ્રાપ્ત થતી હોય છે.  ભારતીય સંસ્કૃતિમાં ગુરૂને ઈશ્વરથી પણ ઊંચું સ્થાન પ્રાપ્ત અપાયું છે. ગુજરાતની યુવા શકિતને નવી દિશાનો નિર્દેશ કરવા માટે આપણે સહુ સ્વામીજીનાં ઋણી છીએં.  આત્મીયતાના દિવ્ય સંદેશના પ્રસાર માટે આત્મીયધામો અને સંસ્કારકેન્દ્રોના નિર્માણ કરીને સ્વામીજીએ ભવિષ્યને ઉજ્જવળ કરવાનો મજબુત પાયો નાંખ્યો છે.  આ પ્રકારના મહોત્સવોએ પથ્થરને ઘડીને શાલિગ્રામ બનાવવાનું કાર્ય કર્યું છે.  

ભારતની યુવાશકિત વિશ્વને પડકારવાનું સામર્થ્ય ધરાવતી થઈ છે તેમાં સંતોનું મહત્વનું યોગદાન છે.  સંસ્કૃતિની રક્ષા કરે તેવી યુવાશકિત આજના સમયની જરૂરિયાત છે જે હરિપ્રસાદ સ્વામીજી અને સંતો દ્વારા પૂરી થઇ રહી છે. યુવાનોની શકિત સન્માર્ગે વળે તો ચમત્કારો સર્જી શકે છે. યુવાનોને સન્માર્ગે વાળવામાં અને રાખવામાં પોતાનું જીવન ખર્ચીને સ્વામીજીએ એ વાત સાબિત કરી આપી છે. સમાજમાં માનવ-માનવ વચ્ચે આત્મીયતાનો સેતુ રચાય, પરિવારમાં પ્રેમ પ્રગટે અને રાષ્ટ્રના કલ્યાણમાં સહુ સાથે મળીને કાર્ય કરે તે માટે હરિપ્રસાદ સ્વામીજીએ વંદનીય ભૂમિકા ભજવી છે.

શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે, દેશ માટે કુરબાની આપે અને દેશની સંસ્કૃતિને ટકાવી રાખવા માટે સક્ષમ હોય તેવા યુવાનો તૈયાર કરીને સ્વામીજીએ ભારતમાતાની આરાધના કરી છે.  આ આરાધનાનું ફળ આજે દેશ અને દુનિયાને મળી રહ્યું છે.   સંતોના આશીર્વાદથી દેશ પ્રગતિ કરી રહ્યો છે.  યુવાનોની સંભાળ રાખીને યોગીજી મહારાજના ચરણોમાં અનોખી ગુરૂદક્ષિણા અર્પણ કરી છે.  તેમણે  યુવાનોના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર કટીબધ્ધ હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો.  દેશને પરમ વૈભવના શિખરે પહોંચાડવામાં યોગદાન આપવા તેમણે યુવાનોને આહ્વાન કર્યું હતું.  ગુજરાતની સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક અને આધ્યાત્મિક વિશેષતાઓની પણ વાત કરી હતી.

અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ આત્મીય યુવા મહોત્સવને સેવા, સંસ્કૃતિ અને સમર્પણનો સંગમ ગણાવ્યો હતો.  જીવનમાં ધર્મ અને કર્મનો સમન્વય સાધીને ભારતને વિશ્વની મહાસતા બનાવવામાં આ યુવાશકિત મહત્વની ભૂમિકા ભજવશે તેવી શ્રદ્ધા વધુ દ્રઢ થઈ છે.  તેમણે યુવાનોને આ હરિફાઇના સમયમાં શ્રેષ્ઠતા અને સમર્પણ જેવા ગુણો આત્મસાત કરવા આહ્વાન કર્યું હતું.  આ ગુણો કેળવવામાં સંતોના આશીર્વાદ સહાયરૂપ બને છે. 

ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ તેમના ભાવ વ્યકત કરતાં કહ્યું હતું કે, સમાજમાં સંસ્કારોની ઉણપ ન સર્જાય તે માટે સંતો પરિશ્રમ કરે છે અને એ પરિશ્રમની અભિવ્યકિત આવા દિવ્ય મહોત્સવોના માધ્યમથી થતી હોય છે. યુવાનોમાં સરળતા, ભકિત અને દાસત્વની પ્રતિષ્ઠા કરીને હરિપ્રસાદ સ્વામીજીએ આપણને ઋણી બનાવ્યા છે.  તેમણે યુવાનોને વ્યકિતગત અને સામુદાયિક પ્રગતિ માટે પરિશ્રમ સાથે જ્ઞાન અને વિજ્ઞાન આત્મસાત કરવાનો અનુરોધ કર્યો હતો. 

સીટી બેન્કના મેનેજીંગ ડાયરેકટર કૃષ્ણ મજીઠિયાએ તેમના વકતવ્યમાં હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પ્રેરિત સાપ્તાહિક સભાને શ્નયુનિવર્સિટી ઓફ હેપ્પીનેસલૃગણાવી હતી.  સમગ્ર વિશ્વમાં ભારતના ત્રણ શ્નડીલૃની ચર્ચા છે -  ડેમોક્રસી, ડિમાન્ડ અને ડેમોગ્રાફી.  દેશની વસ્તીનો મોટો ભાગ યુવાનોનો છે.  આ યુવાનોની શકિતનો યોગ્ય ઉપયોગ થશે તો ભારતના યુવાનોના ત્રણ શ્નડીલૃની ચર્ચા આવનારા દિવસોમાં થશે. ડેસ્ટિનેશન, ડાયરેકશન અને ડિટરમીનેશન.  ધ્યેય, દિશા અને દ્રઢતા.  આ જીવનમૂલ્યો વિકસાવવાનું કાર્ય સાપ્તાહિક સત્સંગ સભા કરે છે. 

યુ.કે.ના યુવક ચિરાગ મહેતાએ તેમના વકતવ્યમાં વિવિધ પ્રસંગોના માધ્યમથી સંસ્કારી અને યુવા સમાજના સર્જન માટે હરિપ્રસાદ સ્વામીજીએ કરેલ પરિશ્રમની વાત કરી હતી. દેશના સુખ્યાત ઇવેન્ટ ઓર્ગેનાઇઝર આસિમ સેન પ્રથમવાર સ્વામીજીને મળવા આવ્યા ત્યારે તેમણે કહ્યું, શ્ન સ્વામીજી, મને આપનો શિષ્ય બનાવો!લૃ  સ્વામીજીએ તરત જ  કહ્યું, શ્નહું કોઈને શિષ્ય નથી બનાવતો, મિત્ર બનાવું છું !લૃ 

આત્મીય યુવા મહોત્સવ નિમિત્ત્।ે વિવિધ સેવાકીય અભિયાનો હાથ ધરવામાં આવ્યાં હતાં.  જેમાં આત્મીય સ્વચ્છતા અભિયાન અને અંગદાન સંકલ્પ અભિયાન બાબતે વિશ્વવિક્રમ થયો છે. 

આ મહોત્સવના વિવિધ સત્રોમાં રૂસ્તમ બાગ ગુરૂકુળના  પૂ. વિશ્વવલ્લભસ્વામી, સ્વામિનારાયણગાદી સંસ્થાનના પૂ. જીતેન્દ્રપ્રિય સ્વામી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા, પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા, સાંસદ મિતેશભાઈ પટેલ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, રાજયના મંત્રી યોગેશભાઈ પટેલ, વિધાનસભાના દંડક પંકજ દેસાઇ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભાર્ગવ ભટ્ટ, કેનેડાના બોબી પટેલ, આત્મીય યુનિ.ના પ્રોવોસ્ટ ડો. સંથાનકૃષ્ણન, ભારતસિંહ પરમાર, પરિન્દુ ભગત (કાકુભાઈ), ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, અક્ષયભાઈ પટેલ, જશપાલજી સહિતના વિવિધ વિસ્તારના ધારાસભ્યો,  વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ, વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ, આયુર્વેદાચાર્ય પંકજ નરમ,ડો. શૈલેષભાઈ ત્રિવેદી, વૈદ્ય જયેશ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 

(4:28 pm IST)