ગુજરાત
News of Wednesday, 8th January 2020

વડોદરામાં યુટીટી 65મી નેશનલ સ્કૂલ ગેમ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2019 નો પ્રારંભ

ટુર્નામેન્ટમાં કુલ 38 ટીમો અને 961 ખેલાડીઓ ભાગ લેશે

 

વડોદરા:ભારત દેશના ઇતિહાસમાં ત્રીજી વખત સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ( PPP ) ના ધોરણે યુટીટી કંપની તથા ટેબલ ટેનિસ એસોસીએશન ઓફ બરોડા ને તેનું સંયુકત પણે આયોજન કરવાની જવાબદારી સોંપેલ છે. યુટીટી કે જે મુંબઈ ખાતે આવેલ છે અને ભારત દેશમાં ટેબલ ટેનિસ રમતનું સ્તર આંતરરાષ્ટ્રીય કક્ષા માટે સક્ષમ બનાવવા સતત પ્રયત્નશીલ છે. જેમાં મુખ્યત્વે સ્કુલ ના બાળકોને ધ્યાનમાં રાખી જીલ્લા સ્તરેથી રાષ્ટ્રીય કક્ષાએ ટેબલ ટેનિસ રમતનું આયોજન કરે છે. યુટીટી 65મી નેશનલ સ્કૂલ ગેમ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ-2019નું શહેરના માંજલપુર સ્પોટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તા.5 થી 9 જાન્યુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.

ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી કલ્પેશ ઠક્કરે જણાવ્યું હતું કે, આ ચેમ્પિયનશીપમાં 12 ઇવેન્ટસ રમાડાશે. જેમાં 6 ટીમ ચેમ્પીયનશીપ્સ અને 6 સીંગલ્સ બોઇઝ અને ગલ્સની અંડર 14, 17 અને 19 કેટેગરીની ઇવેન્ટ રમાડવામાં આવશે. આ ચેમ્પિયનશીપમાં દેશના 39 રાજ્યોમાંથી ખેલાડીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 961 ખેલાડીઓ અને 200 ઓફિસીયલ્સ ભાગ લઇ રહ્યા છે. ટીમ ચેમ્પીયનશીપ હરીફાઇ બે સ્ટેજમાં રમાવાની છે. જેમાં પ્રથમ સ્ટેજમાં રાઉન્ડ રોબીંગ લીગ સીસ્ટમ પ્રમાણે દરેક ટીમોને ગૃપમાં વહેંચી લીગ મેચ રમાડવામાં આવશે. આ 8 ગૃપની દરેક વિજેતા ટીમો બીજા સ્ટેજમાં ક્વોલિફાઇ થશે. જેમાં નોકઆઉટ સીસ્ટમ પ્રમાણે તેઓ ચેમ્પિયનશીપના ટાઇટલ માટે રમશે. આ ટુર્નામેન્ટમાં દેશના જાણીતા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.

ચેરમેન જયાબહેન ઠક્કરે જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટ વડોદરા માટે ગૌરવની બાબત છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ માટે રહેવા-જમવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં કુલ 38 ટીમો અને 961 ખેલાડીઓ ભાગ લેનાર છે. જેમાં 461 ગર્લ્સ અને 500 બોયઝનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા ટ્રોફી, રોલીંગ ટ્રોફી અને મેરીટ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. ટુર્નામેન્ટમાં મંગેશ મોપકર મુખ્ય રેફરી તરીકે ટીટીએફઆઇ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ સાથે 2 ડેપ્યુટી રેફરી, 2 આસિસ્ટન્ટ રેફરી, અને 36 અમ્પાયરની ટીમ સેવા આપશે.

(1:12 am IST)