ગુજરાત
News of Wednesday, 7th December 2022

તાપી જિલ્લામાં ભાજપમાં ભડકો: પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ત્રણ સભ્યોની પક્ષમાંથી હકાલપટ્ટી કરાઈ

કોર્પોરેટર સંજય સોની, પ્રદેશ આદિજાતિ મોરચાના સભ્ય મહેશ પટેલ અને કૌશિક વસાવાને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા

અમદાવાદ : રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ છે. જેની આતુરતાથી રાજ્ય સહિત દેશવાસીઓ રાહ જોઇ રહ્યા છે તેવા ચૂંટણી પરિણામ આવતીકાલે એટલે કે 8 ડિસેમ્બરે જાહેર થવાના છે. તે પહેલા તાપી જિલ્લામાં ભાજપમાં ભડકો બળ્યો છે. અહીં ત્રણ સભ્યોની પક્ષમાંથી હકાલપટ્ટી કરતા રાજકારણ ગરમાયુ છે. પક્ષ વિરોધી કૃત્ય કરવા બદલ ત્રણ સભ્યોને તમામ પદ અને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.

તાપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી પ્રવૃત્તિ બદલ સભ્યોને પક્ષમાંથી વ્યારા નગરપાલિકાના કોર્પોરેટર સંજય સોની, પ્રદેશ આદિજાતિ મોરચાના સભ્ય મહેશ પટેલ અને ઉચ્છલ તાલુકાના સક્રીય કાર્યકર્તા કૌશિક વસાવાને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. જેને લઇને તાપી જિલ્લામાં રાજકારણ ગરમાયુ છે.

 તાપી જિલ્લાના ભાજપ પ્રમુખ દ્નારા એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લામાં પાર્ટી વિરૂદ્ધનું કામ કરતા હોય તેવા લોકોને પાર્ટીની શિસ્તના ભાગ સ્વરૂપે તેમની સામે પુરત આધાર-દાર્શનિક પુરાવા મળ્યા છે. પ્રદેશ ભાજપની સુચના અનુસાર ત્રણ લોકોને તેમના તમામ પદ અને હોદ્દા પરથી પ્રાથમિક સભ્ય પદેથી પક્ષમાંથી નિષ્કાશીત કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને બે તબક્કામાં મતદાન થઇ ચૂક્યુ છે. પ્રથમ તબક્કાનું 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું 5 ડિસેમ્બરે મતદાન હાથ ધરાયુ હતુ. જ્યારે આવતીકાલે 8 ડિસેમ્બર મતગણતરી હાથ ધરાશે. ત્યારે સૌની નજર પરિણામ પર મંડાયેલી છે.

(8:45 pm IST)