ગુજરાત
News of Saturday, 7th December 2019

અમદાવાદના છારાનગરમાંથી 7 કિલો ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઇ : મુખ્ય આરોપી ફરાર

આરોપી રૂ.50 અને રૂ.80ની કિંમતની ગાંજાની નાની-નાની પડિકી બનાવીને વેચાણ કરતી: જથ્થો લાવી આપનારા પતિ ફરાર

અમદાવાદઃ રાજ્ય પોલીસ વડા દ્વારા નાર્કોટિક્સની પ્રવૃતિને અટકાવવા કરેલા કડક સૂચન બાદ રાજ્યભરમાં પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં જ એસઓજી દ્વારા દારૂના નામે બદનામ થયેલા છારાનગરમાં રેડ પાડીને 7 કિલો ગાંજાના જથ્થો કબ્જે કરીને એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. જોકે ગાંજાની હેરાફેરી કરતો મુખ્ય આરોપી ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

 આ અંગે વિગતો આપતા એસઓજી ક્રાઈમના ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું કે, "સરદારનગર વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી પોલીસે દારૂનું વેચાણ કરતા બૂટલેગરો પર તવાઈ બોલાવી છે. જેથી હવે બુટલેગરો દેશી દારૂ બનાવવાના બદલે નશાનો સામાન વેચતા થયા હોય તેવું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત માહિતીના આધારે અમદાવાદ એસઓજીની ટીમે સરદારનગરમાં રેડ પાડીને 7 કિલો ગાંજાના જથ્થા સાથે પ્રતિક્ષણાબેન ઉર્ફે પ્રતિક્ષા ઉર્ફે ઢીંગી માંછરેકરની ધરપકડ કરી છે. આરોપી રૂ.50 અને રૂ.80ની કિંમતની ગાંજાની નાની-નાની પડિકી બનાવીને વેચાણ કરતી હતી જોકે, તેને ગાંજાનો જથ્થો લાવી આપનાર તેનો પતિ વિજય ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

 ડીસીપી ડો. હર્ષદ પટેલે વધુમાં જણાવ્યું કે, " પ્રતિક્ષાની ધરપકડ બાદ પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તેનો પતિ વિજય ગાંજાનો જથ્થો સુરતથી અમદાવાદ લાવે છે અને તેમાંથી તે નાની-નાની પડિકી બનાવી છૂટક વિસ્તારમાં વેચાણ કરે છે. છેલ્લા 1 વર્ષ કરતાં ઓછા સમયથી પતિ-પત્નીએ મળીને નશાનો આ કારોબાર શરૂ કર્યો હતો.

(10:19 pm IST)