ગુજરાત
News of Saturday, 7th December 2019

ભાજપના ચિરાગ પટેલ અને પાસના અલ્પેશ કથીરિયા સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ થયું : 23મીએ વધુ સુનાવણી

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં સભા મામલે સેસન્સ કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને હાલ ભાજપના નેતા ચીરાગ પટેલ અને પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથિરીયા સામે અમદાવાદ સેસન્સ કોર્ટે બિનજામનીપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું છે. આ કેસમાં વધારે સુનાવણી આગામી 23 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ દ્વારા  અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ રેલી પછી યોજાયેલી સભા બાદ રાત્રિના સમયે તે સભા તોફાની બની ગઈ હતી. જેના કારણે ગુજરાતના અલગ-અલગ શહેરોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત કોમી વૈમનસ્ય ફેલાવવાના, સમાજમાં અરાજકતા, વર્ગવિગ્રહ ફેલાવવા અને સરકારની સામે બાંયો ચડાવવા બાબતે હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અને ચીરાગ પટેલની સામે રાજદ્રોહનો કેસ દાખલ થયો હતો.

આ ઘટનાના ત્રણ વર્ષના સમય પછી હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અને ચીરાગ પટેલની સામે સેન્સકોર્ટ દ્વારા ચાર્જફ્રેમ તૈયાર કરવામાં આવી હતી. અગાઉ એડિશનલ સેશન્સ જજ ડી. પી. મહિડાએ રાજદ્રોહના કેસમાં ચાર્જફ્રેમ કરતાં હાર્દિક સહિતના આરોપીઓ સામે સુનાવણી શરૂ થઇ હતી. આ કેસમાં મહત્ત્વની વિગતોના આધારે જજ ડી. પી. મહિડાએ હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અને ચીરાગ પટેલને તહોમતનામુ ફરમાવ્યું હતું. જેથી દિનેશ બાંભણીયા અને ચીરાગ પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા અને હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ન રહેતા તેની સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢતા, હાર્દિક પટેલ 50 મિનિટમાં જ કોર્ટમાં હાજર થઈ ગયો હતો અને ત્યારબાદ કોર્ટે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

(9:25 pm IST)