ગુજરાત
News of Saturday, 7th December 2019

હિતેન-મંજુલાના જામીન પર કોર્ટનો ચુકાદો અનામત રહ્યો

ગ્રામ્ય કોર્ટ સોમવારે ચુકાદો આપી શકે છે : કોર્ટ ચુકાદો નહીં આવે ત્યાં સુધી હિતેન વસંત અને મંજુલા પૂજા શ્રોફની ધરપકડ નહીં થાય : કોર્ટે હાલ રાહતને લંબાવી

અમદાવાદ, તા.૭ : શહેરના હાથીજણમાં આવેલી ડીપીએસ સ્કૂલે માત્ર નકલી એનઓસી મેળવ્યું હતું એવું નથી સ્કૂલે બીયુ પરમિશનની ખોટી વિગતો રજૂ કરી નકલી બીયુ પણ મેળવ્યું હતું. આ ઉપરાંત ૨૦૦૮થી ૨૦૧૦ એમ ત્રણ વર્ષ સ્કૂલ કોઈ પણ મંજૂરી વિના ગેરકાયદે ચાલી હતી. હકીકતમાં સ્કૂલને ૨૦૧૧થી મંજૂરી મળી હતી. એ મતલબની ચોંકાવનારી હકીકત આરોપી મંજુલા શ્રોફ અને હિતેન વસંત અને અનિતા દુઆની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતાં સોગંદનામામાં પોલીસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જણાવી હતી. તમામ પક્ષકારોની સુનાવણી પૂર્ણ થતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. અદાલત દ્વારા સોમવારે ચુકાદો અપાય તેવી શકયતા છે. સાથે સાથે ચુકાદો ના આવે ત્યાં સુધી હિતેન વસંત અને મંજુલા પૂજા શ્રોફની ધરપકડ થશે નહીં એમ કહી કોર્ટે વચગાળાની રાહત લંબાવી હતી. ડીપીએસ ઇસ્ટ દ્વારા કથિત ગેરરીતિ પ્રકરણમાં આરોપી મંજુલા શ્રોફ અને હિતેન વસંતની આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કરતાં પોલીસ તરફથી જણાવાયું હતું કે, આ કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે.

        સ્કૂલની ગેરરીતિ પ્રકરણમાં ગુજરાત સરકારનું ખોટું એનઓસી રિકવર કરવાનું હજુ બાકી છે. ડીપીએસ ઈસ્ટ ૨૦૦૮થી ચાલુ છે. જયારે સ્કૂલની મંજૂરી ૨૦૧૧થી મળી છે. શાળાએ ત્રણ વર્ષ અમાન્ય ચલાવી છે. ડીપીએસ ઈસ્ટની જમીન ઔડા હસ્તકની છે.ઔડાનું બીયુ લેવાના બદલે ગ્રામ પંચાયતનું બીયુ મેળવી સરકારને ગેરમાર્ગે દોરી હતી. મંજુલા શ્રોફ અને હિતેન વસંત દેશમાં વર્ચસ્વ ધરાવે છે અને આર્થિક સધ્ધર છે. તેમને આગોતરા જામીન અપાય તો કેસને નુકસાન કરી શકે તેટલા સક્ષમ છે. શિક્ષણબોર્ડની મંજૂરી વિના સ્કૂલ ચલાવી વિદ્યાર્થી, વાલીઓ સાથે છેતરપિંડી કરી શિક્ષણને કલંકિત કરે તેવો ગુનો કર્યો છે. કેસના સાક્ષીઓ અને અન્ય માહિતી આપનારા વ્યકિતઓને ડરાવી, ધમકાવી, પ્રલોભનથી કેસને નુકસાન કરી શકે છે. જમીન એન.એ ન હોવા છતાં બિલ્ડીંગ બનાવી એનઓસીની દરખાસ્તમાં નકશાની મંજૂરી માગી હતી. જે છેતરપિંડી સમાન ગણી શકાય છે. સ્કૂલની જમીન તત્કાલીન સમયે રેવન્યૂ રેકોર્ડ મુજબ જમીન ટ્રસ્ટના નામે ન હતી. આમ, સમગ્ર કૌભાંડની હકીકતો અને આરોપીઓના ગુનાની ગંભીરતા જોતાં કોર્ટે આરોપીઓને કોઇપણ સંજોગોમાં આગોતરા જામીન આપી શકાય નહી. તમામ પક્ષકારોની રજૂઆત-દલીલો પૂર્ણ થઇ જતાં કોર્ટે આ કેસમાં આરોપીઓની આગોતરા જામીન અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો હતો.

(8:39 pm IST)