ગુજરાત
News of Saturday, 7th December 2019

કોંગ્રેસ અને NSUIનું કોલેજ બંધ એલાન આંશિકરીતે સફળ

પરીક્ષામાં ગેરરીતિના વિરોધમાં કોલેજો બંધ : અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત અનેક સ્થળો ઉપર એનએસયુઆઇ, યુથ કોંગ્રેસ કાર્યકરોના ઉગ્ર દેખાવો

અમદાવાદ, તા.૭ : બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા રાજયભરમાં કોલેજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. કોલેજ બંધના એલાનને રાજયના કેટલાક વિસ્તારોમાં મહદઅંશે સમર્થન મળ્યું હતું. તો કેટલાક વિસ્તારમાં આંશિક સફળતા મળી હતી. જેને લઈ આજે સવારથી જ અમદાવાદ, સુરત, રાજકોટ, અરવલ્લી, વડોદરા સહિતના વિસ્તારોમાં કેટલીક કોલેજો બંધ જોવા મળી હતી. સોલાની નીલદીપ કોલેજ, જીએલએસ,સીટી સી યુ શાહ સહિતની કોલેજો આજે બંધ રહી હતી. એલડી આર્ટ્સ કોલેજને પણ એનએસયુઆઇ દ્વારા બંધ કરાવવામાં આવી હતી. અમુક કોલેજોએ એનએસયુઆઇના બંધના એલાન અને કોઈ હોબાળો ન થાય તે માટે કોલેજો બંધ જ રાખી હતી જ્યારે કેટલીક કોલેજોને એનએસયુઆઇએ બંધ કરાવી હતી. બીજીતરફ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇના કાર્યકર્તાઓની સોલા પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવી છે. ત્યારે એચ.એલ કોલેજ બંધ કરાવતા યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇના કાર્યકર્તાઓની પણ અટકાયત કરી નવરંગપુરા પોલીસ સ્ટેશન લઇ જવાયા છે.

             પરીક્ષા રદ ના થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે એવી ચીમકી પણ દેખાવો કરી રહેલા કાર્યકર્તાઓ દ્વારા અપાઇ હતી. કોલેજ બંધ કરાવવા નીકળેલા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇના સંખ્યાબંધ કાર્યકરોની રાજયના જુદા જુદા શહેરોમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. સુરતમાં પણ બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા કોલેજ બંધનું એલાનને સફળ બનાવવા એનએસયુઆઈના કાર્યકરો દ્વારા વહેલી સવારથી કોલેજ બંધ કરાવવા જહેમત હાથ ધરવામાં આવી હતી. બિનસચિવાલય પરીક્ષાનો મુદ્દો રાજકીય રંગ પકડી રહ્યો હોય તેમ કોંગ્રેસ દ્વારા આજે ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતનો સ્કૂલોમાં તો ફિયાસ્કો થયો પરંતુ એનએસયુઆઈ દ્વારા કોલેજો બંધ કરાવવા માટે જેહમત ઉપાડવી પડી હતી. સુરત શહેરમાં સુમુલ ડેરી રોડ પર આવેલી એસવી પટેલ, નવયુગ, બરફીવાળા કોલેજ બંધ કરાવવામાં એનએસયુઆઈને સફળતા મળી હતી.

               સાથે જ એનએસયુઆઈ કાર્યકરો દ્વારા ભટાર સ્થિત ઉત્તર ગુજરાત કોલેજ બંધ કરાવવા માટે ચાલુ કલાસમાં ઘુસી જઈને વિદ્યાર્થીઓને એનએસયુઆઈના કાર્યકરો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અરવલ્લીના મોડાસાના કોલેજ કેમ્પસમાં ચાલતી, આર્ટ્સ, કોંમર્સ, બીએડ, બીસીએ, સહિત બીએડ કોલજનું શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું હતું,, બિન સચિવાલયની પરિક્ષામાં થયેલી ગેરરિતી મામલે યુથ કોગ્રેસના કાર્યકર્તાઓ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભરૂચ, જૂનાગઢ સહિતના અનેક વિસ્તારોમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇના કાર્યકર્તાઓએ કોલેજો બંધ કરાવી એલાનને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

(8:37 pm IST)