ગુજરાત
News of Saturday, 7th December 2019

કલાર્ક પરીક્ષા આંદોલન અંતે સમેટાયુ : વિદ્યાર્થી પરત ફર્યા

પરીક્ષાર્થીઓ પોતપોતાના ઘરે જવા રવાના : ચોથા દિવસે આંદોલનના સ્થળ ઉપર ખુબ ઓછા વિદ્યાર્થી નજરે પડ્યા : સીટની તપાસ ઉપર તમામની નજર કેન્દ્રિત

અમદાવાદ, તા.૭ : બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે બેરોજગાર ઉમેદવારોએ પરીક્ષા રદ કરવાની માંગ સાથે બુધવારથી આંદોલન શરૂ કર્યું હતું. જો કે ગઈકાલ મધરાતથી આંદોલનકારીઓ ગાંધીનગર છોડીને રવાના થવા લાગ્યા હતા અને પોતપોતાના ઘરે જવા રવાના થઇ ગયા હતા. તેમાંય આજે સવારે તો આંદોલન સ્થળ પર ગણ્યા ગાંઠ્યા જ પરીક્ષાર્થીઓ જોવા મળ્યા હતા. આ આંદોલન દરમ્યાન પહેલા બે દિવસ પાંચ હજાર જેટલા ઉમેદવારો જોવા મળ્યા હતા. ત્યારબાદ આ આંદોલનમાં કોંગ્રેસ પણ જોડાઈ હતી. તેમજ કોંગ્રેસે આ આંદોલનને શેરીઓ અને શહેરોમાં લઈ જવાની ઘોષણા કરી હતી. જેના અનુસંધાને શાળા-કોલેજ બંધનું એલાન આપ્યું હતું, જો કે, તેને મિશ્ર પ્રત્યાઘાત પડયા છે.

              આંદોલનના બીજા દિવસે પરીક્ષાર્થીઓની સંખ્યા જોઈને કોંગ્રેસના પરેશ ધાનાણી, હાર્દિક પટેલ અને એન.સી.પીના નેતા શંકરસિં વાઘેલા તેમજ મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ પણ ગાંધીનગર દોડી ગયા હતા. જો કે, આજે ૪થા દિવસે આંદોલનમાં ગણ્યા ગાંઠ્યા અને મુખ્યત્વે એન.એસ.યુ.આઈના કાર્યકરો જ બચ્યા હોવાથી ગાંધીનગરમાંથી કૉંગ્રેસના નેતાઓ રવાના થઈ ગયા હતા અને આજે ૪થા દિવસે ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓના આંદોલન સ્થળે કાગડા ઉડી રહ્યા હતા. આ પહેલા રાજ્ય સરકારે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરી છે. આ સીટ ૧૦ દિવસમાં તપાસ કરી રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરશે. સીટની રચનાની જાહેરાત થતા જ આંદોલનની પહેલ કરનાર આંદોલનકારીઓના નેતા યુવરાજસિંહ જાડેજાએ વીડિયોના માધ્યમથી પરીક્ષાર્થીઓને આંદોલન આડકતરી રીતે સમાપ્ત કરી દેવા માટે સંકેત આપ્યો હતો. જેના અનુસંધાનમાં સમગ્ર આંદોલન પર આખરે પડદો પડી ગયો હતો.

(8:42 pm IST)