ગુજરાત
News of Saturday, 7th December 2019

ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તા નજીક બાઈક ઉપર જઈ રહેલા આધેડને પુરઝડપે જતી કારે અડફેટે લીધા

અમદાવાદ: ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા પેથાપુર ચાર રસ્તા નજીક ગઈકાલે સાંજના સમયે બાઈક ઉપર જઈ રહેલા આધેડને પુરઝડપે જતી કારે અડફેટે લીધા હતા અને કારચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ તેમને ગાંધીનગર સિવિલથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું મોત નીપજયું હતું. ઘટના અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.  ગાંધીનગર જિલ્લામાં હાઈવે માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો વધી રહયા છે અને તેમાં પણ ખાસ કરીને હીટ એન્ડ રનની ઘટનાઓ બની રહી છે. ધેધુ ચોકડી પાસે યુવાનને અડફેટે લઈ અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો તો ઘાયલ યુવાનનું મોત નીપજયું હતું. ત્યારે પેથાપુર નજીક પણ વધુ એક હીટ એન્ડ રનની ઘટના બનવા પામી છે. જેની મળતી વિગતો પ્રમાણે ગોતા ખાતે રહેતાં પ૧ વર્ષીય મનુભાઈ ખોડીદાસ પ્રજાપતિ તેમના ૬૪ વર્ષીય સાળા સાથે બાઈક ઉપર લગ્નપ્રસંગે જઈ રહયા હતા તે દરમ્યાન તેમનું બાઈક પેથાપુર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહયું હતું ત્યારે ત્યાંથી પુરઝડપે પસાર થતી કારે તેમના બાઈકને જોરદાર અડફેટે લીધું હતું. જેથી સાળો-બનેવી બન્ને ગંભીર રીતે ઘવાયા હતા. જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ સારવાર માટે લઈ જવાયા હતા. જયાંથી વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર દરમ્યાન મનુભાઈનું મોત નીપજયું હતું. ઘટના અંગે પેથાપુર પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે દોડધામ શરૂ કરી છે. ગાંધીનગર જિલ્લામાં વધી રહેલી હીટ એન્ડ રનની ઘટનાઓ પોલીસ માટે પણ પડકાર બની છે. 

(5:10 pm IST)