ગુજરાત
News of Saturday, 7th December 2019

ઝેરી કેમિકલ નિકાલના પ્રકરણમાં સુરતના ટેન્કર ચાલક અને ક્લિનરની પૂછતાછ

સુરત: ભેસ્તાન પાંજરાપોળની પાછળ ઉમ્મીદ નગર નજીક મહાનગરપાલિકાની ગટર લાઇનમાં ઝેરી કેમિકલનો નિકાલ કરવાના પ્રકરણમાં ટેન્કર ચાલક અને કારમાં પાયલોટીંગ કરનારની સચીન પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. પુછપરછ અંતર્ગત છેલ્લા બે મહિનાથી કેમીકલનો નિકાલ ગટર લાઇનમાં કરતા હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ગઇ છે.છેલ્લા કેટલાક સમયથી ભેસ્તાન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમા ગંદુ પાણી આવવાની ફરિયાદ અને પાણીની માત્રામાં પેરામીટરમાં ફેરફાર હોવાની અત્યંત ગંભીર બાબત સુરત મનપાના ડ્રેનેજ વિભાગને ધ્યાને આવતા આસિ. ઇજનેર મનન મહેતાની તપાસમાં ગટરલાઇનમાં કોઇ કેમિકલનો નિકાલ કરાયાનું ધ્યાને આવ્યું હતું. જેથી બે મહિનાથી રાત્રીના સમયે પાંડેસરા, ભેસ્તાન અને ઉન વિસ્તારમાં મ્યુનિ.ની ટીમે વોચ રાખી હતી. ત્રણેક દિવસ અગાઉ વ્હેલી સવારે સાડા ચાર વાગ્યે  ભેસ્તાન ઉમ્મીદનગર ત્રણ મોટરસાઇકલ અને ત્યાર બાદ એક કાર પાયલોટીંગ કરીને ઝેરી કેમીકલ ભરેલું ટેન્કર સાથે આવ્યા હતા. તેમાં કેમિકલ ખાલી કરતી વેળા મ્યુનિ. ટીમ ત્રાટકતા ચાલક ટેન્કર મુકીને ભાગી ગયો હતો.ટેન્કર કબ્જે લઇ નાગાલેન્ડના રજીસ્ટ્રેશન નંબરના આધારે તપાસ બાદ આજ સચીન પોલીસે ટેન્કરના ચાલક સુબેદાર ચૌહાણ અને પુરણસીંગ દીપકસીંગ ટમટા (રહે. સાંઇનાથ, ઉમ્મીદનગર, ભેસ્તાન) ની ધરપકડ કરી છે. સુબેદાર ટેન્કર ચાલક છે અને પુરણસીંગ કારમાં પાયલોટીંગ કરી ટેન્કરને ઘટના સ્થળે લઇ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટેન્કર ચાલક અને પાયલોટીંગ કરનાર માત્ર મ્હોરા છે જયારે કેમીકલનો ગટર લાઇનમાં નિકાલ કરવાના માસ્ટર માઇન્ડ અન્ય હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૃ કરી છે. જયારે પ્રાથમિક પુછપરછમાં છેલ્લા બે મહિનાથી ઝેરી કેમીકલનો ગટર લાઇનમાં નિકાલ કરતા હોવાનું બહાર આવ્યું છે.

(5:07 pm IST)