ગુજરાત
News of Saturday, 7th December 2019

વડોદરા નેશનલ હાઇવે પર કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બે મહિલાઓના મોત: ચારને ઇજા

વડોદરા: વડોદરાની ભાગોળે નેશનલ હાઇ વે પર આજે મળશ્કે અમદાવાદ તરફથી આવી રહેલી ઇનોવા કાર પલટી મારી ગઇ હતી અકસ્માતમાં કારમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ્યારે બીજી મહિલાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયુ હતું. જ્યારે કારમાં સવાર ચાર પુરૃષોને ગંભીર ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે.મુંબઇના ઘાટકોપર ખાતે હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતા પ્રવિણાબેન પ્રવિણચંદ્ર મહેતા, નિરવ પ્રવિણચંદ્ર મહેતા તથા કર્ણાટકના બેલગામ ખાતે વનસિટી સોસાયટીમાં રહેતા તેમના સંબંધી કિરીટભાઇ પ્રાણજીવન શાહ, અલકાબેન કિરીટભાઇ શાહ, સાગર કિરીટભાઇ શાહ મળીને કુલ પાંચ જણ મુંબઇથી નિરજ મધુકર ડફલપુરકર નામના વ્યક્તિની ઇનોવા કાર ભાડે કરીને ઉના ખાતે આવેલા જગજીવન બાપુના આશ્રમે ગયા હતા. અહી બે દિવસનું રોકાણ કરીને તેઓ કાલે રાત્રે મુંબઇ પરત આવવા નીકળ્યા હતા.કારનું ડ્રાઇવિંગ કાર માલીક નિરજ મધુકર ડફલપુરકર કરી રહ્યો હતો. વડોદરા નજીક આવતા નિરજને ઊંઘ આવવા લાગી હતી એટલે તેની બાજુમાં બેઠેલા નિરવ મહેતાએ કાર ચલાવવા માટે લીધી હતી. કાર વડોદરા નજીક નેશનલ હાઇ વે પર એલ એન્ડ ટી નોલેજ સિટી પાસેથી પસાર થતી હતી ત્યારે નિરવે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઇ હતી. અકસ્માતમાં પ્રવિણાબેન મહેતા (ઉ.૫૯) અને અલકાબેન શાહ (ઉ.૫૪)નું મોત થયુ હતું. જ્યારે બાકીના ચાર લોકો હાલમાં ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર હેઠળ છે.

(5:05 pm IST)