ગુજરાત
News of Saturday, 7th December 2019

નડિયાદ તાલુકાના કુખ્યાત બુટલેગરની ધરપકડ

નડિયાદ: તાલુકાના કણજરીમાં ગત જૂન માસમાં વિદેશી દારૂના કટીંગની કાર્યવાહી દરમિયાન પોલીસે દરોડો પાડી રૂ.૨૨.૯૪ લાખના વિદેશી દારૂ સાથે કુલ રૂ.૫૫.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રવૃત્તિમાં સામેલ કુખ્યાત બુટલેગર બાબાખાન સહિત ત્રણને જિલ્લા કલેક્ટરે પાસા હેઠળ વિવિધ જેલમાં મોકલી દેવાનો હુકમ કરતાં પોલીસે તેમની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધાં હોવાનું જાણવા મળેલ છે. અંગે મળતી માહિતી મુજબ ચકલાસી પોલીસ હદ વિસ્તારમાં આવેલ નડિયાદ તાલુકાના કણજરી નજીક એક ફાર્મ હાઉસમાં ગત તા.૫-૬-૧૯ના રોજ વિદેશી દારૂના જથ્થાનું કટીંગ ચાલતું હતું તે વખતે ખેડા જિલ્લા એલસીબી પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડામાં પોલીસે રૂ.૨૨,૯૪,૪૦૦ કિંમતના વિદેશી દારૂની ૪૭૮ નંગ પેટીઓ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી. દરોડામાં પોલીસે દારૂ, કન્ટેનર, ગાડી, મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂ.૫૫,૯૫,૦૩૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલ ઈસમ તેમજ સ્થળ પરથી ભાગી છુટેલા કુખ્યાત બુટલેગર બિસ્મીલ્લાખાન ઉર્ફે બાબાખાન રસુલખાન પઠાણ (રહે.બાલાસિનોર,હાલ.આણંદ) તેમજ સાહિલશા ગુલાબનબી દિવાન (આણંદ) અને મહેમુદજુબેર ઉર્ફે ભાગલો આરીફુદ્દીન શેખ (આણંદ) મળી કુલ ચાર ઈસમો વિરૂધ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી તેમની તપાસ હાથ ધરી હતી. જિલ્લામાં દારૂની બદી દૂર કરવા તથા અગાઉ દારૂની હેરાફેરી તથા પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય તેવા રીઢા ગુનેગારો વિરૂધ્ધ અટકાયતી પગલાં લેવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાને પગલે જિલ્લા એલસીબી પીઆઈએ ત્રણેય વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા કલેક્ટરને મોકલી આપી હતી. જે દરખાસ્ત જિલ્લા કલેક્ટરે મંજૂર કરી પાસા વોરંટ ઈશ્યુ કરતાં ગતરોજ પોલીસે આરોપીઓની અટકાયત કરી બિસ્મીલ્લાખાન ઉર્ફે બાબાખાન રસુલખાન પઠાણને જિલ્લા જેલ રાજકોટ ખાતે, સાહિલશા ગુલાબનબી દિવાનને જિલ્લા જેલ સુરત ખાતે અને મહેમુદજુબેર ઉર્ફે ભાગલો આરીફુદ્દીન શેખને જિલ્લા જેલ પાલનપુર ખાતે મોકલી આપવામાં આવ્યાં હોવાનું જાણવા મળેલ છે.

(5:01 pm IST)