ગુજરાત
News of Saturday, 7th December 2019

મહુધા પંથકના મુવાડી ગમે શ્રમજીવીનું મકાન ધરાશય થતા ત્રણ બાળકીઓ દબાઈ

મહુધા: તાલુકાના મહીસા તાબે આવેલ ગેંગાની મુવાડીમાં રહેતાં એક શ્રમજીવીનું મકાન આજે સવારે લગભગ આઠ વાગ્યાના સમયે એકાએક ધરાશયી થઈ ગયું હતું. આ મકાન હેઠળ ત્રણ બાળકીઓ દબાઈ ગઈ હતી. આજુબાજુના લોકોએ દોડી આવીને મહામુસીબતે આ ત્રણેય બાળકીઓને બહાર કાઢી હતી. જો કે એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બેને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. આ બનાવની જાણ થતાં ગામના સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ વગેરે ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. નાના એવા મુવાડામાં બનેલી આ ઘટનાને લઈ શોકની લાગણી છવાઈ જવા પામી હતી. મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના મહીસા તાબે આવેલ ગેંગાની મુવાડીમાં રહેતાં ભીખાભાઈ ભલાભાઈ સોઢાપરમાર પોતાના પરિવાર સાથે રહે છે. જૂના કાચા મકાનમાં રહીને નાનો મોટો કામધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતાં ભીખાભાઈના સંતાનમાં ત્રણ પુત્રીઓ છે. જે પૈકી વંદના ધો.૧૦ માં અભ્યાસ કરે છે. હિરલ (ઉં.વ ૬) અને હેમાંગીની પણ અભ્યાસ કરે છે. આજે સવારે સાડા સાત કલાકે આ ત્રણેય બહેનો પોતાના ઘરે હતી. તે વખતે એકાએક તેમનું જૂનું મકાન ધરાશયી થઈ ગયું હતું. મકાન પડવાના અવાજથી આજુબાજુના ઘરના સગા સબંધીઓ દોડી આવ્યાં હતાં. અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મહામહેનતે મકાનના કાટમાળ નીચે દબાઈ ગયેલી ત્રણેય બહેનોને બહાર કાઢી હતી. જો કે વધુ ઈજાના કારણે હિરલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વંદના અને હેમાંગીનીને ઈજા થતાં તેને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવી હતી. આ બનાવની જાણ ગામના સરપંચને થતાં તેઓ દોડી આવ્યાં હતાં. મહુધા તાલુકા વિકાસ અધિકારી એ એસ ખાંટ પણ દોડી ગયાં હતાં. પોલીસ પણ ઘટનાસ્થળે આવીને કામગીરીમાં લાગી હતી. નાના એવા ગામમાં બનેલા આ બનાવને લઈ દુ:ખની લકીર ખેંચાઈ ગઈ હતી. આ બનાવ અંગે પ્રવિણભાઈ ભલાભાઈ પરમારે મહુધા પોલીસમાં જાણવાજોગ આપતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(5:02 pm IST)