ગુજરાત
News of Saturday, 7th December 2019

ખંભાત તાલુકાના વૈણજ ગમે વીજ ચેકીંગ અધિકારી પર હુમલો

ખંભાત: તાલુકાના વૈણજ ગામના મોટા ફળિયામાં આજે સવારના સુમારે વીજ ચેકિંગ માટે ગયેલા એમજીવીસીએલના જુનીયર એન્જિનિયરને બે શખ્સોએ માર મારીને શર્ટ ફાડી નાંખતા અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ખંભાત ગ્રામ્ય એમજીવીસીએલમાં જુનીયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દિપકુમાર લ-મણપ્રસાદ ખરવાર સાથી કર્મચારીઓ સાથે આજે સવારના સાડા સાતેક વાગ્યાના સુમારે વૈણજ ગામે આવેલા મોટા ફળિયામાં વીજ ચેકિંગ માટે ગયા હતા. જ્યાં એક છાપરામાં જીઈબીના પોલથી પસાર થતી વીજ લાઈનમાં લંગર મારીને બિનઅધિકૃત રીતે છાપરામાં લીધેલું વીજ કનેક્શન પકડી પાડ્યું હતુ અને તેનો પોતાનો મોબાઈલમાં વીડીયો ઉતારતા હતા ત્યારે છાપરામાંથી અજીતભાઈ વાઘજીભાઈ રાઠોડ અને નજીકમાંથી મનુભાઈ મેલાભાઈ રાઠોડ આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને કેમ વીડીયો ઉતારો છો તેમ જણાવીને દિપકુમારને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો અને શર્ટ પણ ફાડી નાંખ્યું હતુ. બન્ને જણાં તમો અમારી મહિલાનો કેમ વીડીયો ઉતારો છો તેવો આક્ષેપ કરીને માર મારતાં હતા. દરમ્યાન સાથેના કર્મચારીઓ તેમજ બીજી જગ્યાએ વીજ ચેકિંગ કરી રહેલી ટીમો આવી ચઢી હતી અને વધુ મારમાથી છોડાવ્યા હતા. દિપકુમારે ઉપલા અધિકારીઓને બનેલી સમગ્ર ઘટનાથી વાકેફ કરીને ખંભાત રૂરલ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે બન્ને વિરૂધ્ધ સરકારી કામમાં રૂકાવટ કરીને ગમે તેવી ગાળો બોલી માર મારવાનો ગુનો દાખલ કર્યો હતો.

(5:00 pm IST)