ગુજરાત
News of Saturday, 7th December 2019

સ્‍વચ્‍છતા અને સુરક્ષામાં અગવડ ઉભી કરનારા કબુતરોને પકડનારને રૂ.1 હજારનું ઇનામ આપશે વડોદરા એરપોર્ટ ઓથોરિટી

વડોદરાઃ વડોદરા શહેરના હરણીમાં બનેલા એરપોર્ટ પર કબૂતરો તંત્ર માટે માથાનો દુ:ખાવો બન્યા છે. રૂ.160 કરોડના ખર્ચે બનેલા ઇન્ટિગ્રેટેડ ઍરપૉર્ટ બિલ્ડિંગમાં ઘર કરી ગયેલાં 16 કબૂતરો સ્વચ્છતા અને સુરક્ષા માટે અગવડ ઊભી કરે છે. મુસાફરો પણ તેનાથી ત્રસ્ત થઈ રહ્યા છે અને અનેક ફરિયાદો મળી છે. જેના કારણે ઍરપૉર્ટ ઑથોરિટી દ્વારા કબૂતર પકડનારા એક્સપર્ટ્સની મદદ માગવામાં આવી છે.

વડોદરા એરપોર્ટના સત્તાધીશોએ જાહેરાત કરી છે કે, જે કોઈ વ્યક્તિ એરપોર્ટમાં રહેતા 16 કબુતરનેમાર્યા વગર કે ઈજા પહોંચાડ્યા વગર પકડી આપશે તેને ઈનામ આપવામાં આવશે. એક કબુતર માટે રૂ.1000ના ઈનામની જાહેરાત કરાઈ છે. આમ, એરપોર્ટમાં રહેતા 16 કબુતર પકડનારને રૂ.16,000નું ઈનામ મળશે.

હરણી ઍરપૉર્ટ બન્યા પછી કેટલીક ખુલ્લી જગ્યામાંથી ઍરપૉર્ટ બિલ્ડિંગના અંદરના ભાગે કબૂતર આવી ગયાં છે. આ જગ્યા શોધી કબૂતરનો એરપોર્ટમાં પ્રવેશ તો બંધ કરી દેવાયો છે, પરંતુ જે પ્રવેશી ગયા છે તેવા 16 કબુતરને બહાર કેવી રીતે કાઢવા તે અંગે સત્તાધીશો પાસે કોઈ માર્ગ નથી. કબૂતર ગમે ત્યાં ચરકીને ગંદકી ફેલાવે છે અને સતત ઘુટરઘુ કરતા રહે છે. 

આ અંગે ઍરપૉર્ટના ડાયરેક્ટર ચરણસિંહે જણાવ્યું કે, 'અમે કબૂતરને મારવામાં કે ક્રૂરતાથી પકડવામાં માનતા નથી. આથી યોગ્ય ઉકેલ અથવા જાણકારની મદદ શોધી રહ્યા છીએ. ગંદકીનો પ્રશ્ન મુખ્ય છે. કબૂતર ઘણી ઊંચાઇએ રહે છે એટલે પકડી શકાતા નથી. અમે એક કબૂતર પકડવા માટે રૂ. 1000 ચૂકવવા તૈયાર છીએ.'

ઉલ્લેખનીય છે કે, વડોદરા ઍરપૉર્ટની જેમ જ ચેન્નાઈ ઍરપૉર્ટમાં આ પ્રકારનો ત્રાસ હતો. ચેન્નાઈ ઍરપૉર્ટે કબૂતરોને પકડવામાં સફળતા મેળવી હતી. તેથી વડોદરાના ઍરપૉર્ટ મેનૅજમૅન્ટ દ્વારા ચેન્નાઈ ઍરપૉર્ટ ઑથોરિટીનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. જોકે, તેમ છતાં તેઓ હજુ આ કબુતરનું કોઈ ઉચિત સમાધાન શોધી શક્યા નથી.

(4:58 pm IST)