ગુજરાત
News of Saturday, 7th December 2019

કલોલના રકનપુરમાં માતા સાથે આધા સંબંધના વહેમમાં પુત્રએ મિત્રો સાથે મળી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

નડિયાદ:કલોલ પાસેનાં રકનપુરમાં પોતાની માતા સાથે આડા સંબંધનો વહેમ રાખી એક યુવકે તેના મિત્રો સાથે મળીન એક યુવાનને પાઈપો અને લાકડીઓ વડે માર માર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસ હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.કલોલ પાસેનાં રકનપુરમાં આડા સંબંધોની શંકામાં યુવકનું ઢીમ ઢાળી દેતાં ભારે ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી છે. સાંતેજ ગામે આવેલ નંદી ગૃહ ઉદ્યોગમાં લાલાજી ઠાકોર નામનો યુવાન નોકરી કરે છે. કંપનીમાં સાવન પટેલ તથા તેની માતા પણ નોકરી કરે છે. સાવનનાં પિતા પણ અહીં નોકરી કરતા હતા, જેઓનું બે વર્ષ પહેલાં અવસાન થયું હતું. સાવનને શંકા હતી કે લાલાજી ઠાકોરનાં તેની માતા સાથે આડા સંબંધો છે. શંકા હેઠળ સાવને લાલાજી ઠાકોરને 4 ડિસેમ્બરનાં રોજ પોતાના એક્ટિવા પર બેસાડીને રકનપુર તરફ આવેલાં ગોપી ફાર્મ પહેલાના કાચા રસ્તે લઈ ગયો હતો. જ્યાં સાવનના મિત્રો હાજર હતા. અને લાલાજી ઠાકોર કાંઈ સમજે તે પહેલાં સાવન પટેલ તેના પર લોખંડની પાઈપ લઈને તૂટી પડ્યો હતો. અને લાલાજી ઠાકોરને માથામાં લોખંડની પાઈપનાં ફટકાં મારી લોહીલુહાણ કરી દીધો હતો. અને તેના મિત્રોએ લાકડીઓ વડે લાલાજી ઉપર હુમલો કરી દીધો હતો. સમયે લાલાજીની બહેને તેન ફોન કર્યો હતો. જેમાં લાલાજીને કોઈ મારતું હોવાનો અવાજ બહેનને સંભળાયો હતો. જે બાદ તેઓએ લાલાજીની શોધખોળ હાથ ધરતાં તેઓ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પણ ટૂંકી સારવાર બાદ તેઓ મોતને ભેટ્યા હતા. પોલીસે મામલે સાવન પટેલ અને તેના મિત્રો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

(4:59 pm IST)