ગુજરાત
News of Saturday, 7th December 2019

સ્‍ટેચ્‍યુ ઓફ લિબર્ટી જોવા દરરોજ 10 હજાર પ્રવાસીઓ આવે છે જ્‍યારે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી જોવા દરરોજ 15036 પ્રવાસીઓ

ગાંધીનગરઃ નર્મદા ડેમના કિનારે બનેલી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. હવે દૈનિક પ્રવાસીઓને મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ પાછળ રાખી દીધી છે. આમ, સરદાર પટેલની આ પ્રતિમાને ભારતમાં દિવસે ને દિવસે ખ્યાતિ મળી રહી છે.

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવનારા પ્રવાસીઓની દૈનિક સંખ્યા 15,036 થઈ ગઈ છે. જેની સામે અમેરિકાના ન્યૂ યોર્કમાં આવેલી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોવા દરરોજ સરેરાશ 10,000 જેટલા પ્રવાસીઓ જાય છે.

સરકારના આંકડા અનુસાર 1 નેમ્બર, 2018થી 31 ઓક્ટોબર, 2019 સુધીની દૈનિક સરેરાશની સરખામણીએ નવેમ્બર, 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવનારા લોકોની સંખ્યામાં 74%નો વધારો જોવા મળ્યો છે. જેનું મુખ્ય કારણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના વિસ્તારમાં બનાવવામાં આવેલા અન્ય પ્રવાસન આકર્ષણો છે.

પ્રાપ્ત આંકડા અનુસાર 30 નવેમ્બર, 2019 સુધીમાં કુલ 30,90, 723 પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત લઈ ચુક્યા છે. આ પ્રવાસન થકી રાજ્ય સરકારને રૂ.85.57 કરોડની આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલની પ્રતિમાનું 31 ઓક્ટોબર, 2018ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રાર્પણ કર્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેનાં પ્રમુખ આકર્ષણો

- ચિલ્ડ્રન્સ ન્યુટ્રીશન પાર્ક, કેકટસ ગાર્ડન, વિશ્વ વન, બટરફ્લાય ગાર્ડન, એક્તા મોલ

- એક્તા ઓડિટોરિયમ, બોટિંગ ફેસિલીટી, ડાયનાસોર પાર્ક, ગ્લો ગાર્ડન

- શ્રેષ્ઠ ભારત ભવન, ઝરવાણી ઈકો ટૂરિઝમ, ખલવાણી ઈકો ટૂરિઝમ

- ફૂડ કોર્ટ, વાઈ-ફાઈ સુવિધાઓ, લાઈટિંગ, ઈલ્યુમિનેશન

(4:57 pm IST)