ગુજરાત
News of Saturday, 7th December 2019

ખેડુતો માટે ખુશીના સમાચારઃ ચીને ૩૦ હજાર ટન સીંગતેલનો ઓર્ડર આપ્યોઃ જગતના તાતને સારા ભાવ મળી શકે છે

ચીને ગયા વર્ષે ૧પ હજાર ટન સીંગતેલ ખરીદયુ હતું: ભારે વરસાદથી ચીનમાં મગફળીનો પાક સંપૂર્ણ ફેઇલ...

રાજકોટ તા. ૭ :.. ભારત અને ચીનના સંબંધોમાં ખટરાગ વચ્ચે પણ તાજેતરમાં ચીનના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર છે, સિંગતેલના ભાવ સતત વધારા પાછળનું કારણ ચીન છે, ચીનમાં પણ મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ભારે વરસાદને કારણે ચીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ચીને ભારતના સિંગતેલ પર આધાર રાખવો પડયો છે.

રાજકોટ એડિબલ ઓઇલ એસોસીએશનના પ્રમુખના જણાવ્યા મુજબ ચીને ગયા વર્ષે ભારતમાંથી ૧પ હજાર ટનની આયાત કરી હતી. આ વર્ષે ચીન તરફથી ભારતને ૩૦ હજાર ટનનો ઓર્ડર મળ્યો છે. આ વર્ષે રાજયમાં મગફળીનું અંદાજે ૩૧ લાખ ટન ઉત્પાદન થવાનું છે. આથી ખેડૂતોને સારા ભાવ મળે તે માટે સરકાર પણ પ્રયાસો કરી રહી છે. સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ કરી રહી છે.

જો કે, હાલમાં ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીનાં પુરતા ભાવ ન મળતા વારંવાર ખેડૂતો નારાજ થઇ જાય છે અને વિરોધ પ્રદર્શનો થતા રહે છે. ચીન ૩૦ હજાર ટન સિંગતેલની આયાત કરે તો મગફળીની માંગમાં સીધો વધારો થાય. અર્થતંત્રના નિયમ મુજબ માંગમાં વધારો થાય એટલે કોઇપણ વસ્તુનાં ભાવમાં વધારો થાય છે. જો કે, વેપારીઓ એવું પણ કહે છે કે સિંગતેલના ભાવ વધારા માટે માત્ર ચીન જ નહીં પણ મલેશિયા પણ જવાબદાર છે. ચાલુ વર્ષે રાજકીય અને વૈશ્વિક કારણોને લીધે મલેશિયામાંથી પામતેલની આયાત થઇ શકી નથી. આથી સ્થાનિક તેલોની માંગમાં વધારો થતા સિંગતેલ અને કપાસીયા તેલના ભાવમાં વધારો થઇ રહ્યો છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં મોટા પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થાય છે, ત્યારે દર વર્ષે ખેડૂતોને મગફળીના સારા ભાવ નથી મળતાં. ખેડૂતોએ પણ અનેકવાર માંગ કરી છે કે સરકાર સિંગતેલ અને સિંગદાણાની નિકાસ કરે તો જ સારા ભાવ મળે. હાલમાં ચીનની માંગને પગલે ખેડૂતોને આગામી દિવસોમાં મગફળીના સારા ભાવ મળી શકે છે.

(11:57 am IST)