ગુજરાત
News of Saturday, 7th December 2019

અમદાવાદમાં ધારાસભ્યની કારે બાઇક સવારને ઉલાળતા મોતઃ આરોપી ડ્રાઇવર ૪ કલાકમાં છૂટી ગયો!!

પોલીસ કહે છે...સીસી ટીવી ફુટેજ નહી મળતા આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા નથી મળ્યા...

અમદાવાદ તા. ૭ :.. અત્રે મેમનગરમાં થયેલ એક હિટ એન્ડ રનની ઘટનામાં ધરપકડ કરાયેલ ઇનોવા ગાડીનો ચાલક માત્ર ૪ કલાકમાં છૂટી જતા જબરી ચર્ચા ઉપડી છે, પુરતા પુરાવાના અભાવે પોલીસ તેને જેલના સળીયા પાછળ ધકેલી  શકી ન હતી.

તપાસ કરી રહેલ ટ્રાફીક-એ. ડીવીઝનના એસીપી બી. બી. ભગોરાએ જણાવ્યું હતું કે, અને ઇનોવાના ડ્રાઇવર દેવેન્દ્ર ભાવસારને ઝડપી લીધો હતો, પરંતુ સીસી ટીવી ફુટેજ ન મળવાને કારણે છોડી દેવો પડયો છે.

અત્રે એ નોંધનીય છે કે ધારાસભ્ય શૈલેષ પરમારની ઇનોવા કારે એક બાઇક સવારને ઉલાળ્યો હતો, આ ઘટના નજીકમાં લાગેલ સીસી ટીવીમાં ઝડપી લેવાઇ, આ વિડીયો મીડીયામાં પણ આવી ગયો, પરંતુ ધારાસભ્યે પોલીસને આ સીસી ટીવીના ફુટેજ નહી આપતા, પોલીસ લાચાર બની ગઇ છે.જેનું મોત થયું તે પ્રફુલભાઇ પટેલ હોવાનું પોલીસ ઉમેરી રહી છે, આ બાઇક સવાર પોતાના દિકરાને તેડવા માટે ગયા હતાં, પત્ની અને બે પુત્ર નિરાધાર બની ગયા છે, પત્ની શીતલબેને જણાવ્યું હતું કે જો સમયસર સારવાર મળી હોત તો મારા પતિનો જીવ બચી શકયો હતો, ઇનોવા કારે બાઇક સવારને કેટલાય ફુટ સુધી ઢસડયાનું પણ વિડીયોમાં કેપ્ચર થયું છે.

(8:10 pm IST)