ગુજરાત
News of Saturday, 7th December 2019

અમુલનું દહીં મોંઘુઃ ૧ થી ૮ રૂપિયા વધ્યા

કઢી, ઢોકળા, ખમણ, શ્રીખંડ મઠ્ઠો ખાવા વધુ પૈસા દેવા પડશે

અમદાવાદ,તા.૭: ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંદ્ય અમૂલ ડેરી દ્વારા દહીંની વિવિધ પ્રોડકટનાં ભાવોમાં વધારો ઝીંકયો છે. જેમાં મસ્તી દહીં ૪૦૦ ગ્રામ પાઉચમાં ૨ રૂપિયા, કિલોમાં ૫ રૂપિયા, જયારે પાંચ કિલોનાં પેકિંગમાં ૨૫, લાઈટ દહીંની જૂદી-જૂદી વેરાઈટીઓમાં પ્રતિ કિલોએ ૧ રૂપિયાથી ૮ રૂપિયા સુધીનો વધારો કરાયો છે.

ગુજરાતી ભોજનમાં પીરસાતી કઢીનો સ્વાદ કડવો બન્યો છે. અને મોંદ્યવારીને કારણે આ ભાવવધારાને કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાશે. નવો લાગુ થયેલો ભાવ સમગ્ર રાજયમાં શુક્રવારથી અમલી બન્યો છે. રાજયના ૩૬ લાખ પશુપાલકોની માતૃસંસ્થા અમૂલ બ્રાન્ડે વૈશ્વિક સ્તરે દૂધ અને દૂધની બનાવટોનું મિલિયનર ડોલરોનું માર્કેટ સર કર્યું છે. ત્યારે અમૂલ ડેરીએ રાતોરાત અમૂલ બ્રાન્ડનાં દહીંની પ્રોડકટમાં ૧ રૂપિયાથી લઈને ૮ રૂપિયા સુધીનો ભાવવધારો કર્યો છે.

પશુપાલન વ્યવસાય સતત ખર્ચાળ બનવા સહિત ડેરી પેદાશોનું ઉત્પાદન પણ મોંદ્યુ બની રહ્યું હોય તેને સરભર કરવા માટે ભાવવધારો કરવાની ફરજ પડી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી દૂધની આવકમાં સતત દ્યટાડો થઈ રહ્યો છે. ડેરી સંદ્ય દ્વારા અચાનક જ ભાવવધારો અમલી બનાવાતાં ગુજરાતી થાળીમાં કઢી, ઢોકળાં, લસ્સી, ખમણ, શ્રીખંડ, મઠ્ઠો સહિતનાં ખાદ્યપદાર્થોની બનાવટમાં વિશેષ ઉપયોગમાં લેવાતાં દહીંના ભાવોમાં વધારાને પગલે રસોડાની જવાબદારી સંભાળતી ગૃહિણીઓનાં ચહેરાં પર નૂર હણાયું છે. ડૂંગળી, શાકભાજી અને હવે દહીંનાં ભાવો પણ વધતાં મહિલાઓને પડતાં પર પાટું પડ્યું છે.

(11:55 am IST)