ગુજરાત
News of Saturday, 7th December 2019

DHFLની FDમાં ફસાયેલા હજારો રોકાણકારોના ૨૦૦૦ કરોડ પરત મળશેઃ રિઝર્વ બેન્કની વ્યવસ્થા

NCLTમાં હવે દરેક રોકાણકારોએ ૧૭મી ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરી કલેઇમ કરવો પડશે

વડોદરા તા.૭: વડોદરા સહિત રાજયના હજારો રોકાણકારોની રૂપિયા ૨૦૦૦ કરોડ ઉપરાંતની રકમ દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિ.માં ફસાઇ છે. આ રોકાણકારો હાલમાં તેમના ફસાયેલા નાણાં કેવી રીતે પરત મળે તે માટે ચિંતિત છે, ત્યારે તેમના માટે આનંદના સમાચાર એ છે કે, રિઝર્વ બેંકે તમામ ડિપોઝિટરોને તેમના નાણાં પરત મળે તે માટે વ્યવસ્થા કરી છે. ડિપોઝીટરો અને ધિરાણકર્તાઓને તેમના કલેઇમ ૧૭મી ડિસેમ્બર પહેલાં સુપરત કરવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ કામગીરી માટે રિઝર્વ બેંકે એક વહીવટદારની નિમણૂંક પણ કરી છે.

વહીવટદારના જણાવ્યા મુજબ ડિપોઝીટરોએ હવે ત્રણ ઇન્સોલવન્સી પ્રોફેશનલ્સમાંથી કોઇ એકને તેમના સત્તાવાર પ્રતિનિધિ તરીકે જાહેર કરવા પડશે. આ ત્રણ ઇન્સોલવન્સી પ્રોફેશનલ્સમાં ચારૂ સંદીપ દેસાઇ, દિપક કુમાર અને પ્રવીણ નયાનદારનો સમાવેશ થાય છે. આ પ્રતિનિધિઓ ડિપોઝિટરોના લેણાંની રજૂઆત ધિરાણકર્તાઓની સમિતિ સમક્ષ રજૂ કરશે. વહીવટદાર આર.સુબ્રમણિકુમારના જણાવ્યા મુજબ ફડચાની કાર્યવાહી આગામી ૧૬૦ દિવસ અથવા તો ૩૧મી મે ૨૦૨૦ સુધીમાં શરૂ થઇ શકશે. NCLTએ જણાવ્યું છેકે, તમામ ધિરાણકર્તાઓએ તેમના કલેઇમ ૧૭મી ડિસેમ્બર સુધીમાં વહીવટદારને પુરાવા સોંપવા પડશે.

(11:52 am IST)